Ease of Doing Business રેન્કિંગમાં ગુજરાતનો ડંકો !
Ease of Doing Business રેન્કિંગમાં ગુજરાતના નામનો ડંકો વાગ્યો છે. જી હાં, ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ રેન્કિંગ્સમાં ગુજરાત બીજા ક્રમે પહોંચી ગયું છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મૂલ્યાંકનમાં ગુજરાતને ‘ટોપ અચીવર્સ’ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ કેટેગરીમાં ગુજરાત સાથે આંધ્રપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ અને તેલંગાણાનો પણ સમાવેશ છે. પ્રતિભાવ આધારિત મૂલ્યાંકનમાં, ગુજરાતે 90 ટકાથી વધુ સ્કોર સાથે બીજું સ્થાન મેળવ્યું છે. તો, આંધ્ર પ્રદેશ આ સૂચકાંકમાં ટોચ પર છે. નોંધનીય છે કે ગુજરાતે આ ઈન્ડેક્સમાં આઠમાં ક્રમેથી સીધી છલાંગ લગાવી બીજુ સ્થાન મેળવ્યું છે.
આ મૂલ્યાંકન કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ એટલે કે (DPIIT) દ્વારા કરવામાં આવ્યું હતું અને તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સુધારાના અમલીકરણની ગુણવત્તા પર આધારિત છે. નોંધપાત્ર છે કે ગુજરાત એ બે રાજ્યોમાં સામેલ છે. જેણે DPIITના 301 સુધારાનું 100% અમલીકરણ દર્શાવ્યું છે.
શું કહ્યું ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાએ ?
આ વિશે ખુશી વ્યક્ત કરતા ગુજરાતના ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાએ કહ્યું કે- “મને તમને જણાવતા આનંદ થાય છે કે આજે બહાર પાડવામાં આવેલ લેટેસ્ટ ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ રેન્કિંગ્સ 2020માં ગુજરાતને ટોપ એચીવર્સ (90% થી વધુ) કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. અગાઉના રેન્કિંગ કરતાં આ નોંધપાત્ર ઉછાળો છે.”
CM ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી ખુશી
આ સિદ્ધિ પર ખુશી જાહેર કરતા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “અમે નિયમનકારી પાલનના ભારણમાં ઘટાડો કરીને રાજ્યમાં વ્યવસાયને સરળ અને સુલભ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમે 2,900 થી વધુ કમ્પ્લાયન્સ ઘટાડી દીધા છે. જેના કારણે રાજ્યમાં વ્યવસાય સ્થાપિત કરવાનું સરળ અને સરળ બન્યું છે.” વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ‘ટોચ અચીવર્સ’માં ગુજરાતનું રેન્કિંગ દર્શાવે છે કે અમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ.
“ભારતને આત્મનિર્ભર બનાવવાના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવા અમે સખત પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાતને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક ક્ષેત્રનું કેન્દ્ર બનાવવાનો અમારો ઉદ્દેશ્ય હોવાનું પણ CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.