- આઠ પાલિકામાં પણ નવા પ્રમુખ-ઉપપ્રમુખો આજે નિયુક્ત થશે
- પદાધિકારીઓ-હોદ્દેદારોની વરણી ચૂંટણીની પ્રક્રિયા આજથી માંડીને 16મી સપ્ટેમ્બરે પૂર્ણ થશે
- 12મી સપ્ટેમ્બરે રાજકોટ, જામનગર અને ભાવનગરને નવા મેયર-ડે.મેયર મળશે
ગુજરાતમાં આજે અમદાવાદ, વડોદરાના મ્યુનિ. કોર્પો.માં મેયર-ડે.મેયર સહિત હોદ્દેદારોની વરણી થશે. જેમાં અમદાવાદ, વડોદરાને નવા નવા મેયર-ડે.મેયર મળશે. હાઈકમાન્ડ દ્વારા પસંદ થયેલા નવા હોદ્દેદારોના નામોનું બંધ કવર એજન્ડા કમિટીમાં ખૂલશે. તથા આઠ પાલિકામાં પણ નવા પ્રમુખ-ઉપપ્રમુખો આજે નિયુક્ત થશે. 16મી સુધી આ રીતે રાજ્યભરમાં પ્રક્રિયા ચાલશે.
આઠ પાલિકામાં પણ નવા પ્રમુખ-ઉપપ્રમુખો આજે નિયુક્ત થશે
મેગાસિટી અમદાવાદ સહિત રાજ્યના આઠે મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં તેમ જ અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓ-હોદ્દેદારોની વરણી ચૂંટણીની પ્રક્રિયા આજથી માંડીને 16મી સપ્ટેમ્બરે પૂર્ણ થશે. સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા માત્ર નામો શોર્ટલિસ્ટ કરાયા છે, દિલ્હીથી હાઇકમાન્ડ દ્વારા આખરી પસંદગી કરવામાં આવી રહી છે. ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે અમદાવાદ અને વડોદરા એમ બે મહાનગરો તેમજ આઠ નગરપાલિકાઓ- ભૂજ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુંદ્રા, વલ્લભીપુર, બરવાળા અને પાટણ ખાતે નવા મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટી ચૅરમેનના નામો બંધ કવરમાં હાઇકમાન્ડની સૂચનાથી જે તે શહેર ભાજપ પ્રમુખને પહોંચતા થશે, જે બંધ કવર શહેર સંગઠનના પદાધિકારીઓ તથા જે તે કોર્પોરેશન-પાલિકાની ભાજપની એજન્ડા બેઠકમાં ખૂલશે, બાદમાં 11 વાગે મળનારી સામાન્ય સભામાં વરણીની પ્રક્રિયા હાથ ધરાશે.
12મી સપ્ટેમ્બરે રાજકોટ, જામનગર અને ભાવનગરમાં હોદ્દેદારોની વરણી-ચૂંટણી હાથ ધરાશે
12મી સપ્ટેમ્બરે રાજકોટ, જામનગર અને ભાવનગર એમ ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનો સહિત કુલ 38 સ્થાનિક સંસ્થાઓમાં આ રીતે હોદ્દેદારોની વરણી-ચૂંટણી હાથ ધરાશે. રાજ્યના પાર્લામેન્ટરી બોર્ડએ તો માત્ર નવા હોદ્દેદારોના નામો શોર્ટલિસ્ટ કર્યા છે, આખરી પસંદગી તો હાઈ કમાન્ડ દ્વારા દિલ્હીથી જ થઈ રહી છે. આઠે મહાનગરોમાં સ્ટેન્ડિંગ કમિટી ચૅરમેન તથા મેયર એ બે મુખ્ય પદો છે, અમદાવાદના કિસ્સામાં કોઈ ધારણા કરે કે સ્ટેન્ડિંગ કમિટી ચૅરમેન પશ્ચિમમાંથી આવે તો મેયર પૂર્વ અમદાવાદમાંથી આવશે તો આવી ધારણા ખોટી ઠરી શકે, કેમ કે ભૂતકાળમાં હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટીમાં ચૅરમેનપદે તથા મેયરપદે મીનાક્ષી પટેલ બંને પશ્ચિમ અમદાવાદમાંથી મુકાયેલા હતા.