ટોપ ન્યૂઝવર્લ્ડ

મોરક્કોમાં વિનાશઃ ભયાનક ભૂકંપ 2000થી વધુ લોકોને ભરખી ગયો, 3 દિવસનો રાષ્ટ્રીય શોક

  • 7.0ની તીવ્રતાના ભૂકંપને લીધે 2012થી વધુ લોકોના મોત
  • ઘાયલોની સંખ્યાનો આંકડો 2059 સુધી પહોંચ્યો છે
  • દેશમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરાઇ

ભયાવહ ભૂકંપને લીધે આફ્રિકી દેશ મોરક્કોની હાલત દયનીય થઈ ચૂકી છે. અહેવાલ અનુસાર શુક્રવારે મોડી રાતે મોરક્કોમાં આવેલા ભીષણ ભૂકંપ બાદથી અત્યાર સુધીમાં 2000થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. 7.0ની તીવ્રતાના ભૂકંપને લીધે અત્યાર સુધીમાં 2012થી વધુ લોકોના મોત થયા છે. જોકે ઘાયલોની સંખ્યાની વાત કરીએ તો 2059 લોકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે.

ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત

દેશભરમાં ભૂકંપને કારણે મચી ગયેલી તબાહીને કારણે અધિકારીઓએ શનિવારે દેશમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી દીધી છે. સૈન્યના એક નિવેદન અનુસાર મોરક્કોના કિંગ મોહમ્મદ VIએ સશસ્ત્ર દળોને વિશેષ શોધખોળ અને બચાવ ટુકડી તથા એક સર્જિકલ ફિલ્ડ હોસ્પિટલ તહેનાત કરવા નિર્દેશ આપ્યો છે. ભૂકંપના કેન્દ્રની નજીકમાં આવેલા શહેર મરાકેશમાં ઐતિહાસિક ઈમારતોને મોટું નુકસાન થયું છે. તેના લીધે મોરક્કો હચમચી ગયું છે.

મોટાભાગના મૃત્યુ ક્યાં થયા?

અહેવાલ અનુસાર શુક્રવારે મોડી રાતે મોરક્કોના હાઈ એટલસ પર્વતોને હચમચાવી દેનારા ભૂકંપથી ભૂકંપના કેન્દ્રની નજીકના શહેરમાં મોટું નુકસાન થયું પણ મોટાભાગના મૃત્યુ દક્ષિણમાં અલ હૌજ અને તરૌદંત પ્રાંતના પર્વતીય ક્ષેત્રોમાં થયા હતા. આ દરમિયાન સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

ભારતીય દૂતાવાસે એડવાઈઝરી બહાર પાડી

ભૂકંપ બાદ રબાત સ્થિત ભારતીય એમ્બેસીએ ગઈકાલે એડવાઈઝરી બહાર પાડી છે અને ત્યાં વસતા ભારતીયોના સંપર્કમાં હોવાનું જણાવ્યું છે. એમ્બેસીએ કહ્યું કે, ભૂકંપના કારણે કોઈપણ ભારતીયો અસર પામ્યા હોવાની હજુ સુધી કોઈ સૂચના મળી નથી. ભારતીય દુતાવાસે તમામ ભારતીયોને ધીરજ રાખવાની તેમજ સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી દિશા-નિર્દેશોનું પાલન કરવાની સલાહ આપી છે. એમ્બેસીએ એડવાઈઝરીમાં જણાવ્યું કે, ભારતીય નાગરિકો કોઈપણ મદદ માટે 24 કલાક કાર્યરત દુતાવાસના હેલ્પલાઈન નંબર પર ફોન કરી શકે છે. એમ્બેસીએ મોરોક્કોનાં ભૂકંપ પીડિતો અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી કહ્યું કે, ભારત આ દુઃખદ સમયમાં મોરોક્કોને સહાય આપવા તૈયાર છે.

PM મોદીએ શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃત્યુ પામનાર લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે મોરક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી ખુબ જ દુ:ખ થયું છે. આ દુ:ખના સમયે મારી સંવેદના મોરક્કોના તે લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ભારત આ મુશ્કેલ સમયમાં શક્ય તેટલી મદદ કરવા તૈયાર છે.

આ પણ વાંચોઃ ચીનને તાકાત બતાવી અને રશિયા પર પણ પોતાની વાત કહી, G20માં ભારતનું શાનદાર પ્રદર્શન

Back to top button