દ્વારકાથી લઇને ડાકોર સુધી જાણો કઈ કઈ જગ્યાની જન્માષ્ટમી છે સૌથી વધુ ફેમસ
કૃષ્ણ જન્મોત્સવને હવે થોડો જ સમય બાકી છે. કૃષ્ણ જન્માષ્ટમી હિન્દુઓના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. આ દિવસે કાન્હાને સમર્પિત ઘરો અને મંદિરોમાં ભવ્ય ઉજવણી અને પૂજા કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ ઘણા એવા સ્થળો છે જ્યાંની જન્માષ્ટમી ખુબ જ પ્રખ્યાત છે. આજે અમે તેમને આ સ્થળો વિશે જણાવીશું.
દ્વારકાધીશ મંદિર
ગુજરાતમાં આવેલું દ્વારકાધીશ ભગવાન કૃષ્ણના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિરનો પૌરાણિક આધાર અને ધાર્મિક મહત્વ તેને વિશ્વમાં એક અલગ ઓળખ આપે છે. આ મંદિરને જગત મંદિર અથવા નિજ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન કૃષ્ણ મથુરા છોડીને ગુજરાત આવ્યા હતા. અહીં તેમણે સમુદ્ર તટ પર સ્થિત કુશસ્થલીના કેશવમાં દ્રારિકા નામનું ભવ્ય નગર વસાવ્યું હતું. તમને જણાવી દઈએ કે ભારતના પવિત્ર ચાર ધામ મંદિરોમાં દ્વારકાનો સમાવેશ થાય છે. ત્યારે અહીં કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે .જન્માષ્ટમી નિમિત્તે મંદિરને ખૂબ જ ભવ્ય રીતે શણગારવામાં આવે છે. અને હર્ષોલ્લાસ સાથે કુષ્ણ જનમોત્સવ ઉજવાતો હોય છે. જન્માષ્ટમી પર્વે લાખોની સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જન્માષ્ટમી નિમિત્તે દ્વારકાની મુલાકાતે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે.
ડાકોર રણછોડરાય મંદિર
ડાકોરમાં સ્થિત રણછોડરાય મંદિર પણ ભગવાન કૃષ્ણના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે આ મંદિર 1772 એડીનું છે, અને શહેરના મુખ્ય બજારની મધ્યમાં આવેલું છે. કૃષ્ણને અહીં રણછોડ તરીકે સંબોધવામાં આવે છે, કારણ કે તેમણે મથુરામાં જરાસંધ સાથેના યુદ્ધ દરમિયાન રણ અથવા યુદ્ધભૂમિ છોડી દીધું હતું, તેથી તેમનું નામ રણછોડ છે. આ મંદિરની વાસ્તુકલા પ્રવાસીઓને ખૂબ જ પ્રભાવિત કરે છે. પ્રસિદ્ધ યાત્રાઘામ ડાકોરમાં જન્માષ્ટમી મહોત્સવની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. આ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન રણછોડરાયજીના દર્શન માટે ઉમટી પડતા હોય છે.
શામળાજી મંદિર
શામળાજી મંદિર સાબરકાંઠા જિલ્લમાં મેશ્વો નદીના કિનારે આવેલું છે. આ મંદિર કાન્હાના પ્રખ્યાત મંદિરોમાં ગણવામાં આવે છે. શ્રી કૃષ્ણને અહીં ભગવાન વિષ્ણુના શ્યામ અવતાર તરીકે દર્શાવવામાં આવ્યા છે અને ગોવાળ તરીકે પૂજાય છે. તેમજ અહીં અનેક ગાયની મૂર્તિઓની પણ પૂજા કરવામાં આવતી હોય છે. આ મંદિર 320 ફૂટ ઊંચું છે, જેની દિવાલોમાં વિવિધ વાર્તાઓ દર્શાવવામાં આવી છે. શામળાજી મંદિરમાં પણ દર વર્ષે જન્માષ્ટમી ભારે ધામધૂમથી ઉજવવામાં આવતી હોય છે. શંખ, ચક્ર અને ગદા સાથે અહીં વિષ્ણુ ભગવાનના દર્શન થાય છે. ભગવાનના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે અરવલ્લીની ગિરિમાળાઓ જય શામળિયાના નાદથી ગુંજી ઉઠતી હોય છે.
માધવરાય મંદિર
પોરબંદરના સોમનાથ હાઈવે પર માધવપુર ગામે આવેલ માધવરાય મંદિરમાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. ભગવાન માધવરાયજીના લગ્ન માધવપુર ગામે રુક્ષમણીજી સાથે થયા હતા.જેથી માધવપુરના ગ્રામજનોમાં કૃષ્ણ જન્મોઉત્સવનો અનેરો ઉત્સાહ હોય છે.
અમદાવાદનું ઈસ્કોન મંદિર
અમદાવાદના ઈસ્કોન મંદિરમાં પણ જન્માષ્ટમી તહેવારની ધામધૂમથી ઊજવણી કરવામાં આવતી હોય છે. દર વર્ષે આશરે 2 લાખથી વધારે શ્રદ્ધાળુઓ ઇસ્કોન ખાતે ભગવાનના દર્શનનો લાભ લેતા હોય છે. ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે જન્માષ્ટમી તહેવારની ધામધૂમથી ઊજવણી કરવા માટે તૈયારીઓ થઇ રહી છે.
અમદાવાદ જગન્નાથ મંદિર
અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિર ખાતે ભારે હર્ષોલ્લાસ સાથે કૃષ્ણજન્મની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં ભક્તો નંદલાલાના વધામણામાં કરવા ઉમટી પડતા હોય છે. કૃષ્ણજન્મ નિમિત્તે આખા મંદિરને દુલ્હનની જેમ સણગારવામાં આવતું હોય છે.
આ પણ વાંચો : અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને મળી આ મોટી જવાબદારી