“પૈસા ખૂટતા હોય તો સરકાર પાસે ગ્રાન્ટ માંગો, પરંતુ આ રીતે લૂંટવાના ધંધા બંધ કરો” :સંત કરસનબાપુ
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં VIP કલ્ચર શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહ્યી છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા VIP દર્શનનો ચાર્જ લાગું કરવાનો નિર્ણય કરતા અનેક લોકો દ્વારા જોરશોરથી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ શ્રદ્ધાળુઓ અને હિન્દુ સંગઠનોના વિરોધ વચ્ચે VIP દર્શનનો નિર્ણય હજુ સુધી મંદિરના ટ્રસ્ટીઓએ યથાવત રાખ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે ડાકોરમાં VIP દર્શનના નિર્ણયનો ભાદરકા આશ્રમના સંત કરસનબાપુએ પણ વિરોધ કર્યો છે.
ડાકોરના VIP દર્શનને લઇ ભાદરકા આશ્રમના સંત કરસનબાપુ ક્રોધિત
ડાકોરમાં VIP દર્શનના નિર્ણયનો જોરશોરથી વિરોધ કરવામા આવી રહ્યો છે. ત્યારે ભાદરકા આશ્રમના સંત કરસનબાપુએ પણ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે ‘હું આ નિર્ણયનો સખત વિરોધ કરું છું. આ કૃષ્ણ પરમાત્મા અને સનાતન ધર્મનું અપમાન છે, કૃષ્ણ માટે તમામ ભક્તો એક સરખા હોય છે, કોઈ VIP કે કોઈ સાધારણ હોતા નથી, તત્કાલ અસરથી આ નિર્ણય પાછો ખેંચાવામાં આવે, પૈસા ખૂટતા હોય તો સરકાર પાસે ગ્રાન્ટ માંગો, પરંતુ આ રીતે લૂંટવાના ધંધા બંધ કરો, ટૂંકમાં જોયા જેવી થાય અને પરિસ્થિતિ વણસે તે પહેલા આ નિર્ણય પાછો ખેંચો’
ડાકોર મંદિરમાં VIP દર્શનની સુવિધા શરૂ કરાઈ છે
મહત્વનું છે કે, ડાકોર મંદિરમાં 500 રૂપિયા ચૂકવી VIP દર્શનની સુવિધા શરૂ કરવામાં આવી છે. ભક્તો 500 રૂપિયા ચૂકવી સન્મુખ દર્શન કરી શકશે. આ સાથે જ મહિલાઓ માટેની જાળીમાંથી જો પુરુષોએ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચૂકવવા પડશે.ત્યારે ડાકોરના ઠાકરોના VIP દર્શન માટે સામે હવે વિરોધનો સૂર ઉઠ્યો છે.
આ પણ વાંચો : ભીંતચિત્રો પર કાળો કૂચડો મારનાર હર્ષદ ગઢવીનું નિવેદન,જાન પણ ન્યૌછાવર કરી દઇશ ને….’