ડીસાની ઢુંવા દૂધ મંડળીના સહમંત્રી દ્વારા દૂધના પૈસા ઓછા આપતા હંગામો
પાલનપુર: ડીસા તાલુકાના ઢુંવા ગામે આવેલ ઢુંવા દૂધ મંડળીના સહમંત્રી દ્વારા છેલ્લા ચાર દિવસથી દૂધ આપવા આવતા પશુપાલકોને દૂધના પૈસા ઓછા આપતા પશુપાલકોએ દૂધ ડેરી પર હંગામો કર્યો હતો.
ચાર દિવસથી દૂધના પૈસા ઓછા આપતા હોવાનો ગ્રાહકનો આક્ષેપ
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લામાં આવેલી હોવાના કારણે આજે મોટા પ્રમાણમાં પશુપાલનનો વ્યવસાય આગળ વધી રહ્યો છે. જેના કારણે બનાસ ડેરી દ્વારા અનેક ગામોમાં દૂધ મંડળીની સ્થાપના કરવામાં આવી છે. આ મંડળીઓમાં પશુપાલકો પોતાના ગામમાં જ દૂધ ભરાવી શકે છે. ત્યારે કેટલીકવાર એવી ઘટનાઓ બહાર આવતી હોય છે કે, જેના કારણે પશુપાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. ડીસા તાલુકાના ઢુવા ગામે આવેલી ઢુંવા દૂધ મંડળીમાં 700થી પણ વધુ પશુપાલકો રોજે રોજ પોતાના પશુઓનું દૂધ ભરવા માટે આવતા હોય છે. ત્યારે ઢુંવા દૂધ મંડળીના સહમંત્રી સોમાભાઈ પ્રજાપતિ દ્વારા છેલ્લા ચાર દિવસથી દૂધ ભરાવવા આવતા પશુપાલકોને પૈસા ઓછા આપતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો.
છેલ્લા ચાર દિવસથી ઢુવા ગામના પરથીજી ચેહરાજી ઠાકોર રાબેતા મુજબ દૂધ ભરવા માટે આવ્યા હતા. પરંતુ છેલ્લા ચાર દિવસથી ભરાવેલ દુધનો પૈસાનો સરવાળો છેલ્લે એક થતાં પરથીજી ઠાકોરને સહમંત્રી પૈસામાં ગોટાળો કરેલ છે તેવી શંકા ગઈ હતી.જેથી પરથીજી ઠાકોર આ બાબતે તાત્કાલિક ઢુંવા દૂધ મંડળી પર પહોંચ્યા હતા. અને ત્યાં હાજર દૂધ મંડળીના સહમંત્રી સોમાભાઈ પ્રજાપતિને પૈસા બાબતે ગોટાળો થયું હોવાનું જણાવ્યું હતુ. જે બાદ દૂધ મંડળીના સહમંત્રી સોમાભાઈ પ્રજાપતિ દ્વારા ભૂલ થઈ હોવાની કબુલાત કરી હતી. પરંતુ આ અંગે ઢુંવા ગામના પરથીજી ઠાકોરે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી દૂધ મંડળીના સહમંત્રી દ્વારા અનેક પશુપાલકોના પૈસા ઓછા આપવામાં આવી રહ્યા છે. ત્યારે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ પશુપાલકોને ફાયદો થઇ શકે તેમ છે.