ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર ફરી લેન્ડિંગ , જૂઓ લેન્ડરે કેવી રીતે 40 સેમી ઉપર ઉઠીને સોફ્ટ લેન્ડિંગ કર્યું

  • ISROએ કર્યું એક્સપેરિમેન્ટ
  • ચાંદ પર વિક્રમ લેન્ડરનું ફરી લેન્ડિંગ
  • 40 સેમી ઉપર ઉઠાવ્યું,પછી 40 સેમી દૂર લેન્ડ કરાવ્યું

ISRO ચંદ્ર પર સતત પ્રયોગો કરી રહ્યું છે. આ ક્રમમાં ફરીથી વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. ચંદ્રયાન 3 મિશન પર ગયેલું વિક્રમ લેન્ડર ફરી ચંદ્રની સપાટી પર લેન્ડ થયું છે. ઈસરોએ આજે એક ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,લેન્ડર અગાઉ હાજર હતું ત્યાંથી 40 સે.મી. ઉપર ઉછળ્યા પછી, તેણે ફરીથી થોડા અંતરે સોફ્ટ લેન્ડિગ કર્યું હતુ.જેનો વીડિયો ઈસરોએ ટ્વિટ કરી જાણકારી આપી છે તેમજ ઈસરોનું કહેવું છે કે, ભવિષ્યના મિશન માટે આ પ્રકારનો પ્રયોગ જરૂરી હતો. ઈસરોએ આગળ લખ્યું, ‘કમાન્ડ આપતાં જ વિક્રમ લેન્ડરનું એન્જિન શરૂ થયું અને તે 40 સેમી સુધી ઉપર ઉઠ્યુ પછી 30-40 સેમી દૂર જઈ ફરીથી સોફ્ટ લેન્ડ થયું.’ ઈસરોએ જણાવ્યું કે આનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં પરત ફરવા અને માનવીય મિશન માટે ટ્રાયલ કરવાનો હતો.

ચંદ્રયાન 3એ કર્યુ ફરી સોફ્ટ લેન્ડિંગ
આ નવા મિશન દરમિયાન વિક્રમ લેન્ડરની તમામ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી હતી. RAM, Cheste અને ILSA ને બંધ કરવ અને બાદમાં ફરીથી કાર્યરત કરવામાં આવ્યા હતા. પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર સ્લીપ મોડમાં ગયા પછી વિક્રમ લેન્ડરને લગતું ISROનું આ મોટું અપડેટ છે. મહત્વનું છે કે,આ દરમિયાન રેમ્પને ફરીથી ખોલીને બંધ કરવામાં આવ્યો હતો. ફરીથી સફળ લેન્ડિંગ પછી, તમામ સાધનો પહેલાંની જેમ રિસેટ કરવામાં આવ્યાં હતાં. ઈસરોએ કહ્યું કે, આ પ્રયોગ 3 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ ફ્યૂચર ઓપરેશનને સુનિશ્ચિત કરવાનો અને સેમ્પલ ફરી મેળવવા માટે નવી આશા આપવાનો છે.

પ્રજ્ઞાન રોવર સ્લીપ મોડમાં
આ પહેલાં ઈસરોએ શનિવારે  કહ્યું હતું કે, પ્રજ્ઞાન રોવરે તેનું કામ પૂર્ણ કરી લીધું છે. તે હવે સુરક્ષિત રીતે પાર્ક કરેલ છે અને સ્લીપ મોડ પર સેટ છે. બંને પેલોડ્સ APXS અને LIBS ઓનબોર્ડ હવે રદ કરવામાં આવ્યા છે. આ પેલોડ્સમાંથી ડેટા લેન્ડર દ્વારા પૃથ્વી પર ટ્રાન્સમિટ કરવામાં આવ્યો છે.બેટરી પણ ફુલ ચાર્જ છે. રોવરને એવી દિશામાં મૂકવામાં આવ્યું છે કે જ્યારે 22 સપ્ટેમ્બર, 2023ના રોજ ચંદ્ર પર ફરી સૂર્યોદય થાય ત્યારે સૂર્યપ્રકાશ સૌર પેનલ પર પડે. તેનું રિસિવર પણ ચાલુ રાખવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે તે 22 સપ્ટેમ્બરથી ફરીથી કામ કરવાનું શરૂ કરશે.

ચંદ્ર પર ભારતનું આ ત્રીજું મિશન હતું
ચંદ્રયાન-1 2008માં લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં એક પ્રોબનું ક્રેશ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ચંદ્ર પર પાણી જોવા મળ્યું હતું. ત્યાર પછી 2019માં ચંદ્રયાન-2 ચંદ્રની નજીક પહોંચ્યું, પરંતુ લેન્ડ થઈ શક્યું નહીં.ચંદ્રયાન-3 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્ર પર ઊતર્યું હતું. ચંદ્રયાન-3એ પણ ચંદ્ર પર સુરક્ષિત રીતે પહોંચવાનો સંદેશ આપ્યો હતો. કહ્યું- ‘હું મારા મુકામ પર પહોંચી ગયો છું.’

આ પણ વાંચો : ચંદ્ર પર રાત પડશે તો ચંદ્રયાન-3નું શું થશે?, ઈસરોના ચીફે કહ્યું…

Back to top button