સાળંગપુર વિવાદ : 3 કલાકની બેઠકના અંતે માત્ર કમિટિ રચવાનો નિર્ણય, હવે શું થશે તેના ઉપર સૌની મીટ
સાળંગપુર મંદિરમાં વકરેલો વિવાદ ઠારવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. આ બેઠક ત્રણ કલાક સુધી ચાલી હતી. વિવાદિત ભીંતચિત્રો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. એવું લાગ્યું હતું કે કદાચ હવે આ વિવાદનો અંત આવી જશે, પરંતુ હાલ આ વિવાદનો અંત આવે તેવું લાગતું નથી. આ વિવાદ ઉકેલવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરાઈ છે. જો કે, સવારે સનાતન ધર્મના સંતોની સાથે 500થી વધારે લોકો સાળંગપુર પહોંચતાં ત્યાંના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ બે દિવસનો સમય માગ્યો હતો અને બે દિવસમાં આ ભીંતચિત્રો હટાવવાની ખાતરી આપી હતી.
કોણ કોણ બેઠકમાં હતા સામેલ ?
સાળંગપુરમાં ભીંતચિત્રોના વિવાદ મામલે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક યોજાઈ હતી. જેમાં વિવાદિત ભીંચતિત્રો મુદ્દે 3 કલાક સુધી ચર્ચા ચાલી હતી. આ બેઠકમાં આચાર્ય પક્ષના ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વડતાલ અને ધોલેરા મંદિરના મહંત, ભુજ, અમદાવાદ, ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડના ચેરમેન હરીજીવન સ્વામી, માધવ સ્વામી સહિતના 50 જેટલા સંતો પહોંચ્યા હતા. તો RSSના કાર્યકારી સદસ્ય રામ માધવ પણ હાજર રહ્યા હતા.
આ સનાતનનો વિજય : ઈન્દ્રભારતીબાપુ
આજે રવિવારની રજા હોવા છતાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. તો આ મુદ્દે ઈન્દ્રભારતીબાપુએ કહ્યું કે, આ સનાતનનો વિજય થયો છે. જો કે, વડતાલ મુખ્ય મંદિરના કોઠારી સ્વામીએ પ્રેસ કોન્ફરન્સમાં ગોળ ગોળ જવાબ આપ્યા હતા. જ્યાં ભીંતચિત્રો હતા અને જે વાત હતી તેની જગ્યાએ સમિતિની રચના કરવાની વાત કરી છે. સમિતિમાં કોણ સભ્યો, ક્યારે નિર્ણય લેશે તેની પણ કોઈજ ચોખવટ કરવામાં નથી આવી. સનાતન ધર્મના સંતોમાં એકબાજુ રોષ છે, ત્યારે વડતાલ સંપ્રદાય હજી પણ નીચું જોખવા તૈયાર નથી. વિવાદ શાંત થવાની જગ્યાએ કોઠારી સ્વામીના નિવેદનથી વધુ ભડકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ જોતા ‘ઘીના ઠામમાં ઘી ઢોળાય’ એની જગ્યાએ ઉકળતા કરવુંની પરિસ્થિતિ થાય તેવા નિવેદનથી અસમંજસ. કોઠારી સ્વામી મીડિયાના જવાબ આપવા પણ ન રોકાયા. પોણા ત્રણ કલાક ચાલેલી મિટિંગના માત્ર 40 સેકન્ડમાં જવાબ આપી અને કોઠારી સ્વામીએ ચાલતી પકડી હતી.