- 9 સપ્ટેમ્બરના ટર્મ પૂર્ણ થતાં મળશે નવા મેયર
- મેયર તરીકે આગામી અઢી વર્ષની મુદ્દત મહિલા માટે અનામત
અમદાવાદ: શહેરમાં મેયરની મુદ્દત આગામી 9 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે, આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની પણ અઢી વર્ષની ટર્મ પૂર્મ થઈ રહી છે જેને લઈને બજારમાં નવા નામોની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અમદાવાદ શહેરના મેયર પદ માટે હાલ ત્રણ નામો ચર્ચાઈ રહ્યા છે. જ્યારે આગામી અઢી વર્ષની મુદ્દત માટે મહિલા અનામત હોવાથી આગામી સમયમાં મહિલા મેયરના નામની જાહેરાત થશે.
આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે
આજે અમદાવાદ શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ઉલ્લેખનીય છે કે નવા મેયર તરીકે ત્રણ નામોની હાલ ચર્ચા થઈ રહી છે. જૈન, પટેલ અને ક્ષત્રિય સમાજમાંથી કેટલાક મહિલા ઉમેદવારોના નામ રેસમાં આગળ છે જેમાં શાહીબાગ વોર્ડના કોર્પોરેટર પ્રતિભા જૈન, મણિનગરના કોર્પોરેટર શીતલ ડાગા અને શહેરના ડેપ્યુટી મેયર અને નારાણપુરા વોર્ડના કોર્પોરેટર ગીતાબેન પટેલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. હાલ મેયર પદ માટે લોબિંગ શરુ થઈ ગયું છે.
નવા મેયરની જાહેરાત ક્યારે?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ ઘણા વર્ષોથી સત્તામાં છે અને હાલ શહેરના મેયર તરીકે ક્કરબાપાનગર વોર્ડના કોર્પોરેટર કિરીટ પરમાર છે જેની અઢી વર્ષની ટર્મ પૂરી થવા જઈ રહી છે ત્યારે નવા મેયરના નામની જાહેરાત આગામી 11મી સપ્ટેમ્બરના રોજ થવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપના 159 કોર્પોરેટરો અને કોંગ્રેસના માત્ર 25 કોર્પોરેટરો, અન્યના 7 કોર્પોરેટર જીત્યા હતા.
આ પણ વાંચો: દહેગામમાં કોરોના મૃત્યુ સહાયમાં મોટા કૌભાંડનો પર્દાફાશ, 30 વારસદારો સામે ફરિયાદ, જાણો સમગ્ર મામલો