ગુજરાતીઓની સુવિધામાં વધારો! હવે ગણતરીની મિનિટોમાં સૌરાષ્ટ્ર પહોંચાશે, જાણો ક્યા શહેરોમાં ફ્લાઈટ થઈ શરૂ
- હવે ગુજરાતીઓની સુવિધામાં વધારો
- સુરતથી 45 મિનિટમાં પહોંચાશે સૌરાષ્ટ્ર
- સુરતથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર હવે માત્ર ગણતરીની મિનિટોમાં પહોંચશો
ગુજરાત રાજ્યની દુરંદેશી પ્રજાલક્ષી યોજનાઓ અંતર્ગત સુરતની વેન્ચુરા એરકનેક્ટ અને ગુજ્જેલ વચ્ચે થયેલા કરાર મુજબ વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી વચ્ચે દૈનિક હવાઈ સેવા પૂરી પાડવામાં આવી છે. વેન્ચુરા એરકનેક્ટે સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની હવાઈ સેવા શરૂ કરી છે.ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ ફલાઇટ લોકાર્પણ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,સુરતની એરલાઇન્સ વેન્ચુરા એરકનેક્ટ દ્વારા રાજ્ય સરકારના આંતરરાજ્ય વિમાન સેવાના પ્રોજેક્ટમાં વધુ એક વિમાનની ફાળવણી કરવામાં આવી છે. આજે દેવ નામનું વિમાન સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યું હતું. દેવ વિમાનનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ પ્લેન 30 કરોડ રૂપિયાનું માનવામાં આવે છે અને ગુજરાતના સિટીમાં ઝડપથી પહોંચવામાં મદદ કરશે.
સુરતથી 5 સેક્ટર પર દૈનિક ફ્લાઇટ
આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ દ્વારા 2022થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી અને સાંજના સમયે વધુ એક સુરતથી અમદાવાદ એમ 5 સેક્ટર પર દૈનિક ફ્લાઈટ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈ માર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આ પ્રકારના હવાઈ માર્ગ પર હવાઈ સેવા પૂરી પાડવા માટે દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવે છે.
સુરતથી સૌરાષ્ટ્ર તરફ આવવા હવે ગણતરીની મિનિટો
વેન્ચુરા દ્વારા ચલાવવામાં આવી રહેલા વિમાનોમાં 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉડાન ભરે છે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટમાં, સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં સફર પૂર્ણ થાય છે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈ સેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ અશક્તો માટે તો ફાયદો થાય જ છે, પરંતુ તેની સાથોસાથ ઉદ્યોગો અને પ્રવાસનને પણ મોટો લાભ થઇ રહ્યો છે. તેમજ મોટા વિમાનોની માફક લાઈવ ટ્રેકિંગ પણ કરી શકાય છે.
વેન્ચુરા એરલાઇન્સ સેવા રાજ્યમાં 2014થી ચાલી રહી છે
સુરત એરપોર્ટ પર યોજવામાં આવેલ સમારોહમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ વિમાનને લીલી ઝંડી આપી સુરત શહેર અને ગુજરાત રાજ્યને સમર્પિત કર્યું હતું. મહત્વનું છે કે, વેન્ચુરા એરલાઇન્સ સેવા રાજ્યમાં 2014થી ચાલી રહી છે. પહેલા એક જ સિટી સાથે જોડતી ફ્લાઇટ હતી. જે હવે 5 શહેરોમાં જઈ રહી છે. 2014માં એક પ્લેન હતું, ત્યારબાદ વધુ એક પ્લેન આવ્યું હતું. જ્યારે હવે વધુ એક પ્લેન સાથે ઝડપથી જે તે સિટીમાં પહોંચી શકશે.
આ પણ વાંચો : ચંદ્રયાન-3ને સફળ બનાવનાર ISROના વડાનું ફ્લાઈટમાં જોરદાર સ્વાગત, જુઓ વીડિયો