રેતી ભરી બેફામ દોડતા ડમ્પર બંધ કરાવવા ડીસાના તાલેપુરાના ગ્રામજનોની માંગ
પાલનપુર: છેલ્લા ઘણા સમયથી ડીસા તાલુકાના તાલેપુરા ગામના લોકો રેતી ભરેલ ડમ્પરોના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.ખાસ કરીને વારંવાર સર્જાતા અકસ્માતોને લઇ તાલેપુરા ગામ ના લોકો ભયમાં જીવી રહ્યા છે. ત્યારે આ તમામ સમસ્યાનો નિકાલ આવે તે માટે ગુરુવારે તાલેપુરા ગામના લોકોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
ઓવરલોડ ભરી જતી ટ્રકો અકસ્માત સર્જે છે
ડીસા તાલુકાના ભડથ ગામના હદ વિસ્તારમાં બનાસ નદીના પટમાં રેતીની ક્વોરીઓ આવેલી છે. આ ચાલતી ક્વોરીઓ માંથી ટ્રક ચાલકો રેતી ભરી તાલેપુરાથી થેરવાડા, વિઠોદર અને ડીસા બાજુ જતા હોય છે. તાલેપુરા ગામે આવેલ ગામના ગોદરેથી આ ટ્રક ચાલકો બેફામ રીતે ચાલતા હોય છે. ત્યારે તાલેપુરા ગામમાં પસાર થતા રસ્તા ની બાજુમાં પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં 100થી પણ વધુ બાળકો અભ્યાસ કરવા માટે આવે છે.ત્યારે આવા સમયે ટ્રક ચાલકો આ શાળાની બાજુમાંથી દારૂ પીને પુરપાટ ઝડપે બેફામ ટ્રકો ચલાવતા હોવાથી પ્રાથમિક શાળાના બાળકો માટે જોખમરૂપ સાબિત થઈ શકે તેમ છે. તે ઉપરાંત રસ્તાની બાજુમાં આંગણવાડી કેન્દ્ર અને અનેક રહેણાક મકાનો આવેલા છે. જેના કારણે વારંવાર બેફામ ચાલતી ટ્રકોના કારણે અહીં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું
આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર ટ્રકો બંધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આજ દિન સુધી રેતી ભરેલી ટ્રકો બંધ કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તો બીજી તરફ તાલેપુરા ગામમાંથી પસાર થતા રસ્તા પર રેતી ભરેલા ટ્રકચાલકોએ અનેકવાર અકસ્માતો સર્જાયા છે. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે વારંવાર સર્જાતી ટ્રકોની સમસ્યાને લઇ તાલેપુરા ગામના લોકો ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં તાત્કાલિક આવા ટ્રકચાલકોને કડકમાં કડક સજા કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે તાલેપુરા ગામમાંથી ચાલતી ટ્રકો બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી.