વડોદરામાં હાઇ સ્પીડ બુલેટ ટ્રેનના એક પિલરમાં સ્ટીલનું સ્ટ્રક્ચર નમી ગયું, મોડી રાત્રે તંત્ર દોડતું થયું
- વડોદરામાં મધરાત્રે ઉચ્ચ અધિકારીઓના શ્વાસ અધ્ધર થયા
- હાઇ સ્પીડ બુલેટ ટ્રેનના એક પિલરમાં સ્ટીલનું સ્ટ્રક્ચર અચાનક નમી ગયું
- કામગીરી સામે સવાલો ઊઠ્યા
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી પણ બુલેટ ટ્રેન જેવી હાઈ સ્પીડ ગતિએ ચાલી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 8 સ્ટેશન આવશે, જે પૈકી એક સ્ટેશન વડોદરામાં છે.મુંબઈથી આવતી બુલેટ ટ્રેન વડોદરા શહેરના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેથી પસાર થવાની છે. આ માટે પિલર ઉભા કરવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન આજે નિર્માણધીન પિલર અચાનક એક તરફ નમી પડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરા સ્ટેશન પછીના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેથી મુંબઇથી આવતી બુલેટ ટ્રેન પસાર થશે, ત્યારે આ હાઇ સ્પીડ રેલ વિશ્વામિત્રી બ્રીજની ઉપરથી પસાર થનાર હોય, તેની માટે પિલ્લર ઉભા કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહીં છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન કોઇ પણ પ્રકારની ખામી કે પછી નબળી કામગીરી ન થાય તે માટે પણ પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. છતાં, સ્ટ્રકચર ઉભુ કરવામાં કોઇ ખામી સર્જાતા અડધા પિલ્લર ઉપરનું સ્ટ્રકચર નમી પડ્યું હતું. મોડી રાત્રે બનેલી આ ઘટના આ અંગેની જાણ હાઇ સ્પીડ રેલ તંત્રને થતાં તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.નિર્માણાધિન બુલેટ ટ્રેન માટેનો પિલ્લર બનાવવા તૈયાર કરેલ સ્ટીલનું સ્ટ્રકચર અચાનક નમી પડતાં ચકચાર મચી ગઇ હતી.
કામગીરી પર સવાલ
ઉલ્લેખનીય છે કે,ગત એપ્રિલ મહિનામાં પણ અમદાવાદના મણિનગર રેલવે ફાટક નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલરનું સ્ટ્રક્ચર અચાનક જમીનદોસ્ત થઈ જતા નીચેથી પસાર થઈ રહેલી સ્મિતા મેકવાન નામની મહિલા દટાઈ ગઈ હતી. આ ઘટનાના પગલે ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં મણિનગર પોલીસ મથક તેમજ બુલેટ ટ્રેના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : વડોદરા : બુલેટ ટ્રેનના બ્રિજની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના, ક્રેન તૂટતા મજૂરો દટાયા,એકનું મોત, 7 ઇજાગ્રસ્ત