MID DAY NEWS : વડોદરામાં મધરાત્રે ઉચ્ચ અધિકારીઓના શ્વાસ અદ્ધર થયા, સમીના શંખેશ્વર માર્ગ પર સર્જાયો અકસ્માત, જાણો પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પર શું મળ્યું
ચંદ્રયાન 3ના પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પર મળ્યો ઑકિસજન
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને મંગળવારે ચંદ્રયાન-3 મિશન સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી છે. ભારતના મૂન મિશનએ ચંદ્ર પર ઓક્સિજન અને સલ્ફરની શોધ કરી છે. સ્પેસ એજન્સીએ જણાવ્યું કે, ચંદ્રની સપાટી પર રોવર પ્રજ્ઞાન શોધ મિશન ચાલી રહ્યું છે. ઈસરોએ ટ્વીટ કરી લખ્યું કે, ત્યાં સતત વૈજ્ઞાનિક પ્રયોગો ચાલી રહ્યા છે અને જેમાં રોવર પ્રજ્ઞાને એક મોટી શોધ કરી છે.ISROએ ‘X’ પર પોસ્ટ કરી કે, ‘રોવર પર લાગેલું ઉપકરણ LIBS પ્રથમ વખત ઇન-સીટુ માપન દ્વારા દક્ષિણ ધ્રુવની નજીક ચંદ્રની સપાટીમાં સલ્ફર (S)ની હાજરીની સ્પષ્ટપણે પુષ્ટિ કરે છે. અપેક્ષા મુજબ, Al, Ca, Fe, Cr, Ti, Mn, Si અને O પણ શોધ થઈ છે. એજન્સીએ વધુમાં જણાવ્યું કે, હાઈડ્રોજન (H)ની શોધ ચાલુ છે.
મધરાત્રે ઉચ્ચ અધિકારીઓના શ્વાસ અદ્ધર થયા
અમદાવાદ-મુંબઈ વચ્ચે બની રહેલા હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે નિર્માણાધિન બુલેટ ટ્રેનના એક પિલરનું સ્ટ્રક્ચર અચાનક નમી પડતા તંત્ર દોડતું થયું હતું. મળેલી માહિતી પ્રમાણે, વડોદરા સ્ટેશન પછીના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેથી મુંબઈથી આવતી બુલેટ ટ્રેન પસાર થશે, ત્યારે આ હાઈ સ્પીડ રેલ વિશ્વામિત્રી બ્રિજની ઉપરથી પસાર થનાર હોઈ, એના માટે પિલર ઊભા કરવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની ખામી કે પછી નબળી કામગીરી ન થાય એ માટે પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે છતાં સ્ટ્રક્ચર ઊભું કરવામાં કોઈ ખામી સર્જાતાં અડધા પિલર પરનું સ્ટ્રક્ચર નમી પડ્યું હતું.
48 કલાકમાં કેદારનાથ મંદિર શણગાર્યું
શ્રાવણ માસના પ્રારંભ સાથે સમગ્ર દેશ શિવમય બની ગયો છે. વડોદરા શહેરની ટીમ રિવોલ્યૂશન દ્વારા 8મી સદીના કેદારનાથ મંદિરને સંપૂર્ણ રીતે 4 હજાર કિલોથી વધુનાં ગલગોટા અને ગુલાબનાં ફૂલોથી રાત-દિવસ એક કરી 48 કલાકની મહેનત કરી બાબા કેદારનાથના મંદિરને શણગારાયું છે. આજે શિવલિંગને ચોખાથી લીંપણ કરી ભોગ ધરાવવામાં આવશે.ટીમ રિવોલ્યૂશનના સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે વિશ્વમાં એકમાત્ર વડોદરાના શિવભક્તોને બદ્રીનાથ, કેદારનાથ મંદિર સમિતિ દ્વારા ફૂલહારના શણગારમાં સામેલ કરવામાં આવ્યા છે, જે ભક્તો માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. ‘શિવજી કી યાત્રા’ના માધ્યમથી કોલકાતાથી મગાવેલાં વિશેષ ફૂલોથી આજે કેદારનાથ મંદિર શણગારવામાં આવ્યું છે.
દેશમાં મેડલ ટેલીમાં ગુજરાતનું ચોથું સ્થાન
ઝારખંડ ખાતે વાકો ઇન્ડિયા નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપ જુનિયર્સ અને કેડેટ્સ 2023માં ગુજરાત કિક બોક્સિંગ ટીમે સિદ્ધિ નોંધાવી છે. ગુજરાતની ટીમે કુલ 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. સમગ્ર દેશમાં મેડલ ટેલીમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ દિલ્હી એરપોર્ટ પર ગુજરાતની ટીમને મળ્યા અને અભિનંદન પાઠવ્યા હતા, ત્યારબાદ વડોદરા એરપોર્ટ પર ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની ટીમના 36 ખેલાડીઓ વડોદરાના અને 2 ખેલાડી વલસાડના હતા.
સમીના શંખેશ્વર માર્ગ પર સર્જાયો અકસ્માત
પાટણ જિલ્લાના સમી તાલુકાના શંખેશ્વર માર્ગ પર સમી પોલીસ સ્ટેશન નજીક કેનાલ માર્ગ પાસે ફૂલ સ્પીડમાં આવતી વેગનઆર કારના ચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા કાર આગળ જઈ રહેલી આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.રાહદારી દ્વારા આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા સમી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા કારમાંથી મૃતકોના મૃતદેહ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આજથી એશિયા કપની શરૂઆત
એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની 16મી એડિશન આજથી શરૂ થઈ રહી છે. યજમાન પાકિસ્તાન અને નેપાળ વચ્ચે તેમની પ્રથમ મેચ મુલતાનમાં બપોરે 3:00 વાગ્યે (ભારતીય સમય મુજબ) રમાશે. 6 ટીમોની ટુર્નામેન્ટ 19 દિવસ સુધી ચાલશે. કુલ 13 મેચો રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે. મહત્વનું છે કે,39 વર્ષ પહેલા 1984માં એશિયા કપ પ્રથમ વખત સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રમાયો હતો. જેમાં પાકિસ્તાન, શ્રીલંકા અને ભારતે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં હતી. સૌથી વધુ મેચ જીતનારી ટીમ ભારત ચેમ્પિયન બની હતી.
દેશની રાજધાની દિલ્હીમાં 8 અને 9 સપ્ટેમ્બરે G20 કોન્ફરન્સ
દેશની રાજધાની દિલ્હીમાં 8 અને 9 સપ્ટેમ્બરે G20 કોન્ફરન્સ યોજાવાની છે. જેને લઈ સરકાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. વાત જાણે એમ છે કે, ભારતની સુરક્ષા એજન્સીઓ અને દિલ્હી પોલીસની સાથે-સાથે અમેરિકાની CIA, બ્રિટનની MI-6 અને ચીનની MSS ટીમો પણ સુરક્ષા માટે તૈયાર રહેશે. આવી સ્થિતિમાં દિલ્હીના રસ્તાઓ પર ત્રણ દિવસ સુધી લક્ઝરી વાહનો દોડશે. G20 સમિટ માટે VIP મહેમાનોને લક્ઝરી કાર પ્રદાન કરનર હરમાન સિંહે એક ખાનગી મીડિયાને જણાવ્યું છે કે, તેઓ G20 દરમિયાન સરકારી એજન્સીઓ, કોર્પોરેટ અને દૂતાવાસોને લક્ઝરી કાર આપશે. આ લક્ઝરી કારોને G20 સમિટ માટે ખાસ જર્મનીથી આયાત કરવામાં આવી છે. તેમાંથી મર્સિડીઝ મેબેક સૌથી મોંઘી કાર છે. G20 માટે માત્ર મર્સિડીઝ જ નહીં પરંતુ દુનિયાભરની અન્ય મોંઘી કાર પણ આપવામાં આવી રહી છે. જેમાં BMW અને Audi સામેલ છે.