આજથી ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.198નો ઘટાડો
આસમાને પહોંચેલ મોંઘવારીના વચ્ચે લોકોને જુલાઈના પ્રથમ દિવસે જ સારા સમાચાર મળ્યા છે. સરકારી તેલ કંપનીઓએ એલપીજીના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આજથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 198 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2021 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તેની કિંમત 2219 રૂપિયા હતી.
કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 198 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો
કિંમતોમાં ફેરફાર બાદ દિલ્હીમાં ઈન્ડેનનો કોમર્શિયલ સિલિન્ડર 198 રૂપિયા સસ્તો થયો છે. જો કે, અન્ય મોટા શહેરોમાં લોકોને તુલનાત્મક રીતે ઓછી રાહત મળી છે. કોલકતામાં આ સિલિન્ડરની કિંમતમાં 182 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં હવે 190.50 રૂપિયાનો ઘટાડો થયો છે. ચેન્નાઈમાં 187 રૂપિયાનો ઘટાડો થયો છે. જોકે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 19 મેના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો.
મે મહિનામાં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં બે વખત વધારો થયો હતો
અગાઉ ગયા મહિને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. મે મહિનામાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં બે વાર વધારો કરવામાં આવ્યો હતો. સૌથી પહેલા 07 મેના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 19મી મેના રોજ પણ તેમની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં તાજેતરમાં નરમાઈ બાદ સામાન્ય લોકો ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહતની અપેક્ષા રાખી રહ્યા હતા.