સ્કૂલોની ગ્રાન્ટ બાદ હવે પ્રાથમિક શાળાના કર્મીઓના ભથ્થાંમાં કરાયો વધારો
- ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના કર્મચારીઓને તબીબી ભથ્થા પેટે અત્યાર સુધીમાં માસિક રુ.300 મળતા જેમાં હવે રુ. 700નો વધારો કર્યો છે.
રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોની ગ્રાન્ટમાં વધારો કર્યા બાદ સરકરારે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના કર્મચારીઓનું પણ વિચાર્યું છે, જેને લઈને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના કર્મચારીઓના માસિક ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના કર્મચારીઓને તબીબી ભથ્થા પેટે અત્યાર સુધીમાં માસિક રુ.300 મળતા જેમાં હવે રુ. 700નો વધારો કર્યો છે. જેથી હવે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના કર્મચારીઓને માસિક ભથ્થામાં રુ.1000 ચુકવાશે.
ગત 24મી સપ્ટેમ્બર-2022ના રોજ રાજ્ય સરકારના તેમજ પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર પ્રતિ માસ રૂ.300 તબીબી ભથ્થામાં વધારો કરી રૂ.1 હજાર કર્યાનો ઠરાવ પ્રસિદ્ધ થયો હતો. ત્યાર બાદ શાળા કમિશનર કચેરીમાં ગ્રાન્ટેડ શાળાના કર્મીઓએ પણ માગ કરી હતી. જે સંદર્ભે ગત ઓક્ટોબર-2022ના રોજ શિક્ષણ વિભાગે આ કર્મીઓના માસિક ભથ્થામાં પણ રૂ.700 વધારો કર્યો હતો. એ પછી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ગત 3 મે-2023ના રોજ શિક્ષણ વિભાગમાં પત્ર કર્યો હતો કે, બિન સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓને હાલમાં મળતાં પ્રતિ માસ રૂ.300ના તબીબી ભથ્થામાં વધારો કરી પ્રતિ માસ રૂ.1,000 ચુકવવામાં આવે. નિયામક કચેરીના આ પત્રને વંચાણે લીધા બાદ શિક્ષણ વિભાગ દ્વારા આ કર્મારીઓને પણ માસિક રૂ.1,000નું તબીબી ભથ્થુ ચુકવાય તે અંગે સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે.
અગાઉ ગ્રાન્ટેડ સ્કૂલોને સોએ સો ટકા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી
ગ્રાન્ટેડ સ્કૂલો સાથે સરકારની ભેદભાવભરી નીતિ હતી. જે સ્કૂલનું પરિણામ ઓછું આવે એને ઓછી ગ્રાન્ટ, જેનું રિઝલ્ટ ઊંચું આવે એને ઊંચી ગ્રાન્ટ. આ નીતિ સામે લાંબા સમયથી શાળા સંચાલક મંડળનો વિરોધ ચાલતો હતો, પણ નીતિમાં ફેરફાર થયો નહીં. સરકારે હવે આ નીતિમાં ફેરફાર કરીને ગ્રાન્ટેડ સ્કૂલ સાથેનો ભેદભાવ દૂર કર્યો છે અને તમામ ગ્રાન્ટેડ સ્કૂલને સોએ સો ટકા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. આના કારણે ગ્રાન્ટેડ સ્કૂલોમાં નવા પ્રાણનો સંચાર થઈ શકશે.
આ પણ વાંચો: રાજ્ય સરકારનું બેરોજગાર પ્રત્યે ઓરમાયું વર્તન ! સરકારી વિભાગોની કાયમીને બદલે ફરી કરાર આધારીત ભરતી ?