- રાજકોટમાંથી સામે આવ્યું રાજ્યવ્યાપી કૌભાંડ
- ચોટીલાની યુવતી સહિત 7 શખસો રિમાન્ડ પર લેવાયા
- રૂ.3 થી 6 લાખની રકમ આપી ભરતી પ્રક્રિયા પૂરી થયા બાદ ખોટા નિમણુક પત્રો મેળવ્યાનો ખુલાસો
- અત્યારસુધીમાં ધરપકડનો કુલ આંક 15 ઉપર પહોંચ્યો
રાજકોટમાંથી એલ.આર.ડી. (લોકરક્ષક દળ)માં બેરોજગાર યુવાનો દ્વારા બોગસ નિમણુક પત્રના આધારે નોકરી મેળવવાના રાજ્યવ્યાપી ચકચારી કૌભાંડનો પર્દાફાશ થયો હતો જેમાં અગાઉ ચોટીલાની યુવતી સહિત 7 શખસો ઝડપી લેવામાં આવ્યા બાદ તેની તપાસમાં આ બોગસ નિમણુંક પત્ર મેળવી નોકરી મેળવનાર આઠ શખ્સોને રાજકોટની ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયા છે. પૈસાનો વહીવટ કરીને આશરે 28 શખ્સોએ બોગસ નિમણુક પત્રો મેળવ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. હાલ ધરપકડનો આંક 15 ઉપર પહોંચ્યો છે.
નામ વેઇટિંગ લિસ્ટમાં ન હોવા છતાં દલાલોને રૂપિયા આપ્યા
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ.અનિરૂધ્ધસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા ચાલતી તપાસમાં ખુલ્યા પ્રમાણે એલ.આર.ડી.ની ભરતી પ્રક્રિયા તો ફેબ્રુઆરીમાં પૂરી થઈ ગઈ હતી, આરોપીઓ જાણતા હતા કે તેમનું નામ વેઈટીંગમાં પણ આવ્યું નથી છતાં દલાલોને રૂ. 3 લાખથી માંડીને 6 લાખ સુધીની રકમ આપીને સરકારી નોકરીના બોગસ નિમણુક પત્રો મેળવીને ગુનો આચર્યો હતો. આ નિમણુક પત્રો ગત બે માસમાં મેળવાયા છે અને આરોપીઓ નોકરીમાં હાજર નથી થયા પરંતુ, પોલીસ મથકે પોલીસે તેમને હાજર કર્યા છે.
રાજકોટ પોલીસે ઝડપી લીધેલા 8 ઉમેદવાર
(1) શૈલેષ દિનેશભાઈ નગડકીયા (રહે.બરવાળા તા.જસદણ) (2) સિધ્ધાર્થ ભાનુભાઈ સોનારા (રહે.રાધેશ્યામ સોસાયટી, રાજકોટ) (3) હિતેશ જેન્તીભાઈ કુકડીયા (રહે.બરવાળા તા.જસદણ), (4) રવિ હરીભાઈ રોજાસરા (રહે.લાખાવળ, તા.જસદણ),(5) હર્દીશ નાજાભાઈ વાઘેલા (રહે.ખાનપર તા.બાબરા જિ.અમરેલી) (6) બહાદુર કાંતિભાઈ સોરાણી (રહે.ડોકળવા તા.ચોટીલા) (7) દિનેશ ગગજીભાઈ માલકીયા (રહે.હિરાસર તા.ચોટીલા) અને (8) વિજય માનસીંગભાઈ ખોરાણી (રહે.ચિરોડા તા.ચોટીલા)