ટ્રેન્ડિંગનેશનલ

ઈસરોના વડાએ ચાંદ પર રહેલા ખતરાઓ વિશે આપી જાણકારી; ચંદ્રયાન-3ના લેન્ડર-રોવર પણ થઇ શકે છે નષ્ટ

ચંદ્રયાન-3: ભારતે બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે. આમ કરીને ભારત ચંદ્રની સપાટી પર પગ મૂકનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર લેન્ડ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા એસ સોમનાથે ગુરુવારે કહ્યું છે કે ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન બંને સારી રીતે કામ કરી રહ્યા છે અને આગળ પણ હિલચાલ થશે. જોકે, તેમણે આ ચંદ્ર મિશનમાં આગળના પડકારો વિશે પણ ચેતવણી આપી છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા ઈસરોના વડાએ કહ્યું, “ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન બંને સંપૂર્ણપણે ઠીક છે અને બધુ જ સારી રીતે કામ કરી રહ્યું છે. આગળ પણ અનેક મૂવમેન્ટ થશે કેમ કે ચાંદ પર વાતાવરણ હાજર નથી. આવી સ્થિતિમાં કોઈ પણ વસ્તુ ચંદ્રયાન-3ને ટક્કર મારી શકે છે. આ સિવાય થર્મલ પ્રોબ્લેમ અને કોમ્યુનિકેશન બ્લેકઆઉટની સમસ્યા પણ આવી શકે છે.”

ઈસરોના ચીફ એસ. સોમનાથે વધુમાં જણાવ્યું હતું કે, “જો કોઈ લઘુગ્રહ અથવા અન્ય કોઈ પદાર્થ ચંદ્રયાન-3 સાથે ખૂબ જ તેજ ગતિએ અથડાય તો લેન્ડર અને રોવર બંને નાશ પામી શકે છે. જો તમે ચંદ્રની સપાટીને નજીકથી જોશો તો અંતરિક્ષ પિંડોના નિશાનથી ઢંકાયેલું પડ્યું છે.” પૃથ્વી પર પણ દર કલાકે લાખો અવકાશ પિંડ આવે છે, પરંતુ આપણને તેનો ખ્યાલ આવતો નથી. કારણ કે પૃથ્વી પર વાતાવરણ છે અને આપણું વાતાવરણ તે તમામ ઉલકા પિંડોને સળગાવી નાંખે છે.

આ પણ વાંચો-હિમાચલ પ્રદેશઃ વાદળ ફાટવાથી મંડી ગામોમાં ફસાયેલા 51 લોકોને NDRFએ બચાવ્યા, જૂઓ વિડીયો

ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ભારતીય સમય અનુસાર સાંજે 6.4 કલાકે દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ઈસરોના જણાવ્યા અનુસાર, રોવર પ્રજ્ઞાન લેન્ડરથી નીચે ઉતર્યું છે અને ચંદ્રની સપાટીની પરિક્રમા કરી રહ્યું છે.

ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ પર ઈસરોના વડાએ કહ્યું કે, “તે માત્ર ઈસરો માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે છે. દરેક ભારતીયની જેમ અમને પણ ગર્વ છે કે આ વખતે અમારું લેન્ડિંગ સફળ રહ્યું છે. અમે આટલા વર્ષો સુધી કરેલી મહેનતનું તે પરિણામ છે. અમે વધુ પડકારજનક મિશન કરવા આતુર છીએ. ઈસરોમાં અમે કહીએ છીએ કે સારા પરિણામો વધુ મહેનતનું વળતર આપે છે. મને લાગે છે કે આ આપણા દરેક લોકોને ઉત્સાહિત કરશે.”

ભારતનું પ્રથમ સૌર મિશન આવતા મહિને લોન્ચ થશે

ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ પછી ISRO તેનું પ્રથમ સૌર મિશન 2 સપ્ટેમ્બર 2023ના રોજ લોન્ચ કરશે. ઈસરોના આ મિશનનું નામ આદિત્ય-એલ-1 છે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.

ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ એમ. દેસાઈના જણાવ્યા અનુસાર, આદિત્ય એલ-1ને PSLV રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આદિત્ય-L1 પંદર લાખ કિલોમીટરનું અંતર 127 દિવસમાં પૂર્ણ કરશે. તે સૂર્ય અને પૃથ્વી વચ્ચેની પોઈન્ટ હેલો ભ્રમણકક્ષામાં તૈનાત કરવામાં આવ્યું હતું. આ જગ્યાએથી તે સૂર્યનો અભ્યાસ કરશે.

અત્યાર સુધીમાં 22 સૌર મિશન

અત્યાર સુધીમાં અમેરિકા, જર્મની, યુરોપિયન સ્પેસ એજન્સીએ સૂર્ય પર કુલ 22 મિશન મોકલ્યા છે. તેમાંથી એક મિશન નિષ્ફળ ગયું છે, જ્યારે એકને આંશિક સફળતા મળી છે. નાસાએ 22 મિશનમાં સૌથી વધુ મિશન મોકલ્યા છે. નાસાએ વર્ષ 1960માં પહેલું સૂર્ય મિશન પાયોનિયર-5 મોકલ્યું હતું. જર્મનીએ 1974માં નાસાની મદદથી પ્રથમ સૂર્ય મિશન મોકલ્યું હતું. યુરોપિયન સ્પેસ એજન્સીએ 1994માં નાસા સાથે મળીને તેનું પ્રથમ મિશન મોકલ્યું હતું.

આ પણ વાંચો- રાહુલ ગાંધીએ જણાવ્યું કે તે લદ્દાખ મોટર સાઈકલ લઈને કેમ ગયા?

Back to top button