ગુજરાત

અમદાવાદ: 5 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં બે સફળ અંગદાન દ્વારા 8ને નવજીવન

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની અકલ્પનિય સિધ્ધી
  • 2 હ્રદય, ચાર કિડની અને બે લીવરના દાને આઠ પરિવારોનું જીવન રોશન કર્યું
  • અંગદાન ક્ષેત્રે ઐતિહાસિક સિધ્ધિ તબીબોના અથાગ પરિશ્રમનું પરિણામ

અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ આજે જરૂરિયાતમંદ અને પીડિતને નવજીવન આપવાનો કર્મયજ્ઞ બન્યો છે. 23 મી ઓગષ્ટે સમગ્ર દેશ માટે ગૌરવવંતી બાબત એવી ચંદ્રયાન-3 ની સફળતા આ તારીખને ઇતિહાસના પાનામાં અમર કરી ગઇ. તેવી જ રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 24 ઓગષ્ટની વહેલી સવારે અંગદાન ક્ષેત્રે અકલ્પનિય અને અસાધારણ સિધ્ધી નોંધાઇ છે.

આ પણ વાંચો: ભારતની G20 અધ્યક્ષતાને નોંધપાત્ર સફળતા અપાવવામાં ગુજરાતની મહત્વપૂર્ણ ભૂમિકા 

પ્રથમ વખત પાંચ કલાકના ટુંકા ગાળામાં 2 સફળ અંગદાન થયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત પાંચ કલાકના ટુંકા ગાળામાં 2 સફળ અંગદાન થયા. આ બે અંગદાન થી 8 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલના 127 માં અંગદાનમાં 47 વર્ષના મહિલા દર્દીને ચક્કર આવતા ઢડી પડ્યા હતા. જેથી તેમને સધન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. જેમના રીટ્રાઇવલમાં હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. આ ઐતિહાસિક ક્ષણમાં 32 વર્ષના બ્રેઇનડેડ સુખદેવ પ્રજાપતિનું અંગદાન પણ સામેલ થયું છે. જેઓ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમના રીટ્રાઇવલમાં હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. આ આઠેય અંગો સિવિલ મેડિસીટીની જ યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ અને કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો: કારમાં મુસાફરી દરમિયાન સીટબેલ્ટ ના બાંઘતા લોકો માટે ચેતવણી રૂપ સમાચાર 

હોસ્પિટલના તબીબોના અથાગ પ્રયત્નોની સરાહના

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી, યુ.એન. મહેતાના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશી, કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રા, SOTTO ના ડાયરેક્ટર ડૉ. પ્રાંજલ મોદીએ આ અંગદાન અને પ્રત્યારોપણના કિસ્સાને ઐતિહાસિક અને અવિસ્મરણીય ગણાવ્યા હતા. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. જોષીએ આ ભવ્ય સફળતા બદલ સિવિલ હોસ્પિટલની અંગદાન સાથે સંકળાયેલી સમગ્ર ટીમને સાધુવાદ આપીને તેમની તપસ્યા અને ફરજનિષ્ઠાને બિરદાવી હતી. ડૉ. જોષીએ આ પાંચ કલાક અને કાઉન્સેલીંગથી લઇ રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયા સાથે સફળ અંગદાન માટે  હોસ્પિટલના તબીબોના અથાગ પ્રયત્નોની સરાહના પણ કરી હતી.

10 કલાકની ભારે જહેમતના અંતે સફળતાપૂર્વક બે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ

યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશીએ જણાવ્યું હતું કે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની મંજુરી મળ્યા બાદ 16 મું ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યુ છે. જેમાં પણ સતત 10 કલાકની ભારે જહેમતના અંતે સફળતાપૂર્વક બે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કરાયા છે. જે અમારી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સમગ્ર ટીમ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.

Back to top button