રખેવાળ જ ચોર નિકળ્યો ! મંદિરના પૂજારીએ જ ભગવાનના આભૂષણો અને દાનની લાખો મતાની ચોરી કરી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં મંદિરમાં ચોરી થઈ છે. ચોરીની આ ઘટનાને અન્ય કોઈ નહીં પરંતુ ભગવાનની સેવા-ચાકરી કરનારા પૂજારીએ જ અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. મંદિરમાંથી આભૂષણ અને રોકડ સહિત 4.75 લાખની મતાની ચોરી કરીને પૂજારી ફરાર થઈ થતા ચકચાર મચી છે.
પાલનપુરમાં કંથેરીયા હનુમાજી મંદિરમાં ચોરી
પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કંથેરીયા હનુમાજી મંદિરના સંચાલક શિવગીરી મહારાજે એક મહિના પહેલા વારાણસીના દીપક દુબેને મહિને રૂ.5000ના પગારથી નોકરીએ રાખ્યો હતો. અને થોડા દિવસ પહેલા જ સંચાલક શિવગીરી મહારાજ દુબઈ ગયા હતા. ત્યારે ગત મંગળવારના રોજ સવારે આ પૂજારી શિવગીરી મહારાજનો રૂમ ખોલ્યો હતો અને તિજોરીમાં પડેલો ભગવાન શ્રીકૃષ્ણને ચડાવવાનો સવા બે તોલા સોનાનો હાર, સાડા ત્રણ તોલા સોનાની રૂદ્રાક્ષની કંઠી તથા દાનના 1.60 લાખની રોકડની ઉઠાંતરી કરી હતી, એટલું જ નહીં પણ તેને મંદિરના સેવકના રુમમાંથી પણ 15,000 રૂપિયાની પણ ચોરી કરી હતી.
પૂજારી રુ 4.75 લાખની ચોરી કરી ફરાર
આમ મંદિરના પૂજારીએ સંચાલકના રૂમમાંથી 4.60 લાખ અને સેવકના રૂમમાંથી 15 હજાર એમ કુલ મળીને રુ 4.75 લાખની ચોરી કરીને રફુ ચક્કર થઈ ગયો હતો.
પોલીસે હાથ ધરી તપાસ
મંદિરના સેવક રાજેશભાઈ કુભાવતે મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું ફૂટેજ ચેક કર્યા હતા જેમાં આ પૂજારી વહેલી સવારે ચાર વાગ્યે શિવગીરી મહારાજનો રૂમ ખોલી ચોરી કરતો અને મંદિરની બહાર નીકળતો દેખાયો હતો. આ અંગે જાણ થતા જ ભાવીન કાંતિલાલ મોઢે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ પૂજારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : BREAKING : ઓખાના દરિયામાં માછીમારી કરતી બોટ શિપ સાથે અથડાઈ, 8લોકો ડૂબ્યા