અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

MORNING NEWS CAPSULEમાં વાંચો ચંદ્રયાન બાદ હવે સૂર્યનો વારો, આજે તથ્ય પટેલની જામીન અરજી પર ચુકાદો, જાણો હવે કોણ ચંદ્રયાન-3 પર બનાવશે ફિલ્મ

જામનગમાં થયેલ રકઝક ચંદ્રયાને ઠારી
જામનગર ધારાસભ્ય રિવાબા અને મેયર બીનાબેન વચ્ચેની તુ તુ મે મેનો મામલો ચંદ્રયાનની સફળતાએ ઠાર્યો.. ચંદ્રયાન-3નું ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું છે. જેને લઈ દેશભરમાં હાલ ઉજવણી કરવામાં આવી રહી છે.જામનગરમાં ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવેલી ઉજવણીમાં ધારાસભ્ય રિવાબાએ મેયર બીનાબેનને મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી.6 દિવસ પહેલા જ મેયર અને રીવાબા વચ્ચે શાબ્કિદ ટપાટપી થઈ હતી.

 

બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે
હવે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બુધવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને અનુરૂપ વિદ્યાર્થીઓ માટે એક નવો અભ્યાસક્રમ ફ્રેમવર્ક બહાર પાડ્યો છે. મંત્રાલયે કહ્યું કે, બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે, તેનાથી વિદ્યાર્થીઓની સમજ અને કૌશલ્યનો વિકાસ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવાની બે તક મળશે.શિક્ષણ મંત્રાલયનું નવું માળખું જણાવે છે કે, બોર્ડ પેપર માટે ટેસ્ટ ડેવલપર્સ અને મૂલ્યાંકનકર્તાઓએ આ કાર્ય હાથ ધરતા પહેલા યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમોમાંથી પસાર થવું પડશે. શિક્ષણ મંત્રાલયે વધુમાં કહ્યું કે, 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓએ બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે. જેમાં ઓછામાં ઓછી એક ભાષા ભારતની હશે.

સૂર્યનો અભ્યાસ કરશે ઇસરો
ભારતના ચંદ્રયાન-3 એ બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ સાથે ઇતિહાસ રચ્યો હતો. ભારત દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ ઈસરોની નજર હવે સૂર્ય પર છે. ઈસરોનું આગામી મિશન આદિત્ય એલ-1 જેમાં સૂર્યનો અભ્યાસ કરવામાં આવશે. સૂર્યનો અભ્યાસ કરતું આ પહેલું ભારતીય મિશન હશે. આ મિશનમાં અવકાશયાનને પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર લેગ્રેન્જ પોઈન્ટ-1 (L-1) ની આસપાસ હોલો ઓર્બિટમાં મૂકવામાં આવશે. L-1 બિંદુ એવી જગ્યા છે જ્યાં ગ્રહણની કોઈ અસર થતી નથી અને અહીંથી આપણે સૂર્યને સતત જોઈ શકીએ છીએ.

કચ્છ ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધરપકડ
જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો મુખ્ય ષડયંત્રકાર લોરેન્સ બિશ્નોઇ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે. 200 કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે લોરેન્સ બિશ્નોઇની એટીએસની ટીમે ટ્રાન્સફર વોરન્ટના આધારે અગાઉ ધરપકડ કરાઈ હતી.15 દિવસના રિમાન્ડ બાકી હોવાથી ફરી તેને રિમાન્ડ પર લેવામાં આવશે. જેને લઈને હવે ડ્રગ કેસમાં વધુ કનેક્શન બહાર આવી શકે છે.તાજેતરમાં ગુજરાત ATSસે જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપીને તેમાંથી અંદાજે 200 કરોડનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો.

આજે તથ્ય પટેલની જામીન અરજી પર ચુકાદો
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 9 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કારચાલક તથ્ય પટેલ અને તેના પિતા પ્રગ્નેશ પટેલ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદ જેલમાં બંધ છે. ત્યારે આજે તથ્ય પટેલની જામીન અરજી પર કોર્ટ આજે ચુકાદો આપશે. પિતા-પુત્રને કોર્ટમાં રજૂ કરાશે. મહત્વનું છે કે,અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસ સેશન્સ કમિટ થઈ ચૂક્યો છે. ત્યારે સેશન્સ કોર્ટની કાર્યવાહી આજથી શરૂ થશે. જેમાં બંને પિતા-પુત્રને આજે અમદાવાદ જિલ્લા સેશન્સ કોર્ટમાં ઉપસ્થિત કરાશે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં હવે પીડિત પક્ષની પણ એન્ટ્રી થઈ છે. જેમને તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી તેમજ પ્રગ્નેશ પટેલની વચગાળાની જામીન અરજી સામે વાંધો લીધો હતો. ગ્રામ્ય કોર્ટે પ્રગ્નેશ પટેલની જામીન અરજી ના મંજૂર કરી હતી. તેમજ મંગળવારે થયેલ તથ્ય પટેલની જામીન અરજી પર દલીલો બાદ ચુકાદો 24 ઓગસ્ટે અનામત રાખ્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28મીએ આવશે ગુજરાતના આંગણે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આગામી 28 ઓગસ્ટના રોજ ગુજરાત આવશે. આ દરમિયાન અમિત શાહ ગાંધીનગર ખાતે યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. આ ઉપરાંત ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બદલ કેમ્પ હનુમાન મંદિર ખાતે આરતીમાં ભાગ લેશે. ગાંધીનગર ખાતે 28 ઓગસ્ટે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકના ઉદ્ધાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલીના ગૃહ મંત્રીઓ તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં રાજ્યો વચ્ચેના પડતર મુદ્દાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.

‘મિશન મંગલ’ ડિરેક્ટર હવે ચંદ્રયાન-3 પર ફિલ્મ બનાવશે
મિશન મંગલના નિર્દેશક જગન શક્તિ પણ ‘ચંદ્રયાન 3’ ઉપર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી છે. ચંદ્રયાન-3 એ બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચી દેતા જ જગન શક્તિએ આ નિર્ણય લીધો છે.જગન શક્તિ આ ઐતિહાસિક ક્ષણનો લાભ ઉઠાવવા માગે છે. જગન શક્તિએ દિવ્ય ભાસ્કરની વાતચીતમાં કન્ફર્મ કર્યું છે કે ‘તેઓ મિશન મંગલની ટીમ સાથે આ ફિલ્મ બનાવશે. જોકે અક્ષય કુમાર આ ફિલ્મમાં હશે કે નહીં, તે અંગે કોઈ પુષ્ટિ કરી નથી.’

Back to top button