આણંદ સ્પાય કેમેરા કાંડઃ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર જેડી પટેલ સસ્પેન્ડ
આણંદમાં સ્પાય કેમેરા કાંડમાં સંડોવાયેલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી પોલીસ કસ્ટડીમાં હોવાના કારણે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે તેમને સસ્પેન્ડ કર્યા હતા. નાયબ મામલતદાર જેડી પટેલને પણ આ ઘટનાને લઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કલેક્ટરની અશ્લીલ હરકતનો વીડિયો બહાર પાડી કાવતરૂ રચ્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આણંદ કલેકટર કચેરીમાં સ્પાઈ કેમ લગાવીને કલેકટર ડી એસ ગઢવીને હની ટ્રેપમાં ફસાવવા મામલે આણંદ LCBએ 48 કલાકના રિમાન્ડ મેળવી અનેક માહિતી મેળવી છે. પકડાયેલ તમામ આરોપીઓ પાસેથી એકબાદ એક નવા ખુલાસાઓ સામે આવ્યા છે. ઘટનાના રિકન્સ્ટ્રેશન દરમિયાન કલેકટર કચેરી ખાતેથી 2 cpu અને 1 લેપટોપ રિકવર કર્યા હતા અને ત્યાર બાદ આરોપીઓ દ્વારા જે જગ્યા પર પુરાવાઓ નષ્ટ કરવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો તે આણંદના લાંભવેલ રોડ પર ઝાઇડ્સ હોસ્પીટલ સામે આવેલ એક ખાનગી નિશા ઓટો મોબાઈલ્સ ગેરેજ પર આણંદ SP અને LCBની ટીમે FSLની મદદથી તપાસ હાથ ધરી હતી.
આરોપીઓએ નાશ કરેલ પુરાવાઓના અવશેષો રિકવર કરી fslને સોંપાયા હતા. ષડયંત્રમાં ઉપયોગમાં લેવામાં આવેલી હાર્ડડિસ્કનો નાશ કરી સંદેસર પાસેની નહેરમાં નાખી દેવામાં આવેલી હોવાની માહિતીના આધારે lcbની ટીમ તરવૈયાઓની મદદથી નષ્ટ કરાયેલ મુદ્દામાલ કબજે કર્યો હતો. ષડયંત્ર રચનાર એડિશનલ કલેકટર કેતકી વ્યાસના ઈશારે કલેકટરને હનીટ્રેપમાં ફસાવનાર નાયબ મામલતદાર જે ડી પટેલના ઘરે પણ તપાસ કરી હતી.
કલેક્ટર ડી.એસ. ગઢવીની વીડિયો ક્લિપ વાયરલ થઇ હતી
કલેક્ટર ડી.એસ. ગઢવીની વીડિયો ક્લિપ વાયરલ થયા બાદ સમગ્ર વહીવટીતંત્રમાં ખળભળાટ મચ્યો હતો. તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અગ્ર સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તપાસ કરવાના હુકમ પણ કરવામાં આવ્યા હતા.