Chandrayaan-3: 57 વર્ષ પહેલા અંતરિક્ષમાંથી લેવાયેલી પૃથ્વીની તસવીર આવી હતી
- ભારતનું નામ ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે લખાઇ જશે
- 57 વર્ષ પહેલા 1966માં નાસાના લુનાર ઓર્બિટર વને ચંદ્રમાંથી પૃથ્વીની તસવીર લીધી હતી
- તેણે ભવિષ્યના ચંદ્ર મિશન માટે માર્ગ મોકળો કર્યો હતો
ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર આજે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચશે. આ સાથે ફરી એકવાર 23 ઓગસ્ટની તારીખ ઈતિહાસના પાનાઓમાં નોંધાઇ જશે. ભારતનું નામ સુવર્ણ અક્ષરે લખાઇ જશે.
પહેલીવાર ચંદ્રમાંથી પૃથ્વીની તસવીર
જો મૂન મિશનને જોવામાં આવે તો 23 ઓગસ્ટનું પોતાનું વિશેષ મહત્વ છે, જાણીને નવાઇ લાગશે, પરંતુ 23 ઓગસ્ટ એ તારીખ છે જ્યારે 57 વર્ષ પહેલા 1966માં નાસાના લુનાર ઓર્બિટર વને પહેલીવાર ચંદ્રમાંથી પૃથ્વીની તસવીર લીધી હતી. આ ચિત્ર આંશિક રીતે અસ્પષ્ટ અને બ્લેક એન્ડ વ્હાઇટ હતું પરંતુ તે ચંદ્ર મિશનના ઇતિહાસમાં એવી સફળતા હતી જેણે ભવિષ્યના ચંદ્ર મિશન માટે માર્ગ મોકળો કર્યો હતો.
નાસાનું લુનાર ઓર્બિટર-1 મિશન શું હતુ?
લુનાર ઓર્બિટર-1 એ નાસાનું પ્રથમ મુન મિશન હતું જે સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. આ મિશન 10 ઓગસ્ટ 1966ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. જે સર્વેયર મિશન હતું. તેનો હેતુ નાસાના ભાવિ એપોલો મિશન માટે સલામત ઉતરાણ સ્થળ શોધવાનો હતો. લુનાર ઓર્બિટર-1ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે, તે ચંદ્રની શક્ય તેટલી વધુ તસવીરો લઈ શકે.
ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની બે તસવીરો
લુનાર-ઓર્બિટર-1 ચંદ્રની સપાટીથી 58 કિમી સુધી ગયું હતું. તેણે 18 થી 29 ઓગસ્ટ 1966 દરમિયાન તેનું ફોટોગ્રાફિક મિશન કર્યું અને ચંદ્રના 5 મિલિયન ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારને આવરી લેતા 42 ઉચ્ચ રીઝોલ્યુશન અને 187 મધ્યમ રિઝોલ્યુશન ફોટોગ્રાફ્સ લીધા. આમાં પૃથ્વીની બે તસવીરો પણ હતી. જે પ્રથમ વખત ચંદ્રની ભ્રમણકક્ષામાંથી લેવામાં આવી હતી.
23 ઓગસ્ટે લેવામાં આવી પૃથ્વીની તસવીર
ચંદ્રની ભ્રમણકક્ષામાંથી લુનાર ઓર્બિટર-1 દ્વારા લેવામાં આવેલી તસવીર નાસા દ્વારા 25 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવી હતી. આ તસવીર ઓર્બિટર-1 દ્વારા 23 ઓગસ્ટે લેવામાં આવી હતી. 24 ઓગસ્ટે તે સ્પેનમાં નાસાના ગ્રાઉન્ડ સ્ટેશન પર પહોંચી હતી. 25 ઓગસ્ટના રોજ મિશનની સફળતાની ઘોષણા કરતા નાસાએ સૌપ્રથમ આ તસવીર પ્રકાશિત કરી હતી. જે 26 ઓગસ્ટ, 1966ના રોજ અખબારો અને સામયિકોમાં પ્રકાશિત થયું હતું.
આ મિશનનો હેતુ શું હતો ?
નાસા દ્વારા લોન્ચ કરવામાં આવેલા લુનાર ઓર્બિટરનું મુખ્ય કાર્ય નાસાના ભાવિ ચંદ્ર મિશન માટે લેન્ડિંગ સાઇટ શોધવાનું હતું. તેથી જ આ મિશનને સર્વેયર નામ આપવામાં આવ્યું હતું. આ મિશનથી જ નાસાએ ચંદ્રના વાતાવરણમાં ઉલ્કાઓ શોધી કાઢી હતી. આ સિવાય ચંદ્રના વાતાવરણ અને તેના ગુરુત્વાકર્ષણ અને ભૌતિક ગુણધર્મો વિશે માહિતી પ્રાપ્ત થઈ હતી.
આ પણ વાંચોઃ ચંદ્રયાન-3: શું કહી રહ્યુ છે વિદેશી મીડિયા? પાકિસ્તાને પણ કર્યા વખાણ