ગુજરાતટોપ ન્યૂઝફૂડબિઝનેસ

ગુજરાતમાં ધાન્ય, કપાસ, સોયાબીન સહિતનું 96 % જેટલું ખરીફ પાકનું વાવેતર : હવે વરસાદ પડે તો સોનામાં સુગંધ ભળે

  • રાજ્યમાં આ વખતે સરેરાશથી વધુ વાવેતર
  • દરવર્ષે વધુ લેવાતા મગફળી અને કઠોળનું વાવેતર ઓછુ
  • અનેક ભાગોમાં ખેતરોને સિંચાઈનાં પાણી આપવાનું શરૂ

ગુજરાતભરમાં સમયસર અને સારા વરસાદને પગલે ખરીફ પાકનું વાવેતર ચિકકાર થયુ છે. ધાન્ય, કપાસ, સોયાબીન જેવી ચીજોમાં 100 ટકાથી વધુ વાવણી સામે રાજયમાં અત્યાર સુધીનું સરેરાશ વાવેતર 96 ટકા થઈ ગયુ છે. જો કે હવે ખરીફ પાક માટે વરસાદની જરૂરીયાત ઉભી થવા લાગી છે. તુર્તમાં વરસાદ નહિં થાય તો કેટલાક ભાગોમાં પાક માટે મુશ્કેલ સંકટનાં વાદળો સર્જાઈ શકે છે. કૃષિક્ષેત્રનાં જાણકારોએ એમ કહ્યું છે કે જુલાઈ સુધી ધમધોકાર વરસાદ વરસ્યા બાદ ચાલુ માસમાં બ્રેક લાગી ગઈ છે. વાદળીયુ વાતાવરણ રહેતુ હોવા છતાં કયાંય નોંધપાત્ર વરસાદ નથી. વાવેતર પર હવે 15-20 દિવસે મેઘકૃપા જરૂરી બની ગઈ છે. આગોતરા કે વહેલા વાવેતરની ખાસ જરૂર છે.

બિપરજોય વાવાઝોડાને લીધે વહેલું વાવેતર

કેટલાંક ભાગોમાં ખેડુતોએ પાકનો સિંચાઈના પાણી પીવડાવવાનું પણ શરૂ કરી દીધુ છે. તેના પરથી ખરીફ વાવેતરને વરસાદની જરૂર હોવાની સાબીતી મળી જાય છે. હવામાન વિભાગે હજુ આવતા થોડા દિવસો માટે સાર્વત્રીક કે સારા વરસાદની આગાહી કરી નથી ત્યારે કેટલાંક ભાગોમાં વાવેતર પર સંકટના વાદળો દેખાવા લાગે તેવી ભીતિ છે. દરમ્યાન ગુજરાતમાં અત્યાર સુધીની ખરીફ વાવેતર 96 ટકાએ પહોંચ્યુ છે. ગુજરાતમાં જુન મહિનામાં બિપરજોય વાવાઝોડા બાદ જુલાઈમાં મેઘરાજાની મહેર હતી તેના કારણે ખરીફ પાકનું લગભગ 76 ટકા વાવેતર કરી દેવાયું છે. પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છે.ખેડૂતો ધાન્ય, પાક, કઠોળ, મગફળી અને કપાસનું જંગી વાવેતર કરીને બેઠા છે.

આ મહિનાનું ત્રીજું અઠવાડિયું પણ કોરૂં રહ્યું

બીજી તરફ હવામાન વિભાગની આગાહી છતાં ચાલુ સપ્તાહનો પ્રથમ દિવસ ત્રણ નોંધપાત્ર વરસાદ વિના ગયો છે. સાર્વત્રીક અને ભારે વરસાદ નહીં થાય તો કૃષિ ક્ષેત્ર માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. ઓગસ્ટ મહિનામાં સામાન્ય રીતે ભારે વરસાદ પડતો હોય છે. પરંતુ આ વખતે પ્રથમ વખત ત્રીજુ સપ્તાહ પૂર્ણ થવા આવ્યું છતાં મેઘરાજાની મહેર થવા પામી નથી. સોમવારે સવારથી સાંજ સુધી અમુક શહેર અને તાલુકામાં મહતમ પોણા ઈંચ જેટલો વરસાદ થવા પામ્યો હતો. બીજી તરફ જુનથી સમયસર વરસાદ થતા અને જુલાઈમાં પણ ભારે વરસાદ જારી રહેતા ખેડૂતોએ મોટાપાયે વાવેતર કર્યુ છે. 21 ઓગસ્ટ સુધીમાં 95.60 ટકા જેટલુ કુલ સરેરાશ વાવેતર થયુ છે. જેમાં ધાન્ય પાકનું 101 ટકા વાવેતર થયુ છે.

સોયાબીનનું 134 ટકા વાવેતર કરાયું

ડાંગર અને બાજરીનું ગત વર્ષની સરખામણીમાં આ વખતે સો ટકા કરતા વધુ વાવેતર થયુ છે. મકાઈ અને અન્ય ધાન્ય પાકનું પણ 97 ટકા જેટલુ વાવેતર થયુ છે. કઠોળ પાકોનું 78 ટકા વાવેતર થયુ છે. જેમાં તુવેરનું 86 ટકા ને મઠનું 91 ટકા છે. મગફળીનું પણ હાલ 86 જેટલુ વાવેતર થઈ ચુકયુ છે. જયારે સોયાબીનનું 134 ટકા વાવેતર કરાયું છે કપાસનું પણ 113 ટકા વાવેતર કરાયું છે. ડાંગર સહિતના ધાન્ય પાકને પાણી વધુ પ્રમાણમાં જોઈતુ હોય છે જયારે ઓગસ્ટ મહિનામાં વરસાદ નહિંવત રહ્યો છે. 21 દિવસ વાદળછાયુ વાતાવરણ છતાં ભારે અને સાર્વત્રીક વરસાદ ન થતાં ખેડુતોમાં ચિંતાના વાદળ છવાયા છે. જો ટુંક સમયમાં વરસાદ ન આવે તો વાવેતરના કેટલાક પાક માટે સમસ્યા સર્જાઈ શકે છે. સારો પાક લેવા માટે ખેડુતોએ સિંચાઈ માટેનાં પાણીની વ્યવસ્થા ઉભી કરવાની નોબત આવી શકે છે.

Back to top button