તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણી, મળશે જામીન કે ગણશે જેલના સળીયા?
HD ન્યૂઝ ડેસ્કઃ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે હાલ સુનવાઈ ચાલી રહી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન તથ્યનાં માતા કોર્ટ રૂમમાં હાજર છે. તથ્ય પટેલના વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે પોલીસ આ કેસની તપાસ બાયસ થઈને કરી રહી છે. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે પોલીસ આ મામલે એક વીડિયોના આધારે તપાસ કરી રહી છે. 141.27ની સ્પીડ માટે કોઈ ટેકનિકલ અભિપ્રાય લેવામાં નથી આવ્યો તેમ પણ તેના વકીલે જણાવ્યું હતું.
વીડિયોના આધારે તપાસ: તથ્ય પટેલના વકીલે વધુમાં જણાવ્યું હતું કે ગાડીની સ્પીડ નક્કી કરવા પોલીસ પાસે અન્ય કોઈ પુરાવો નથી. વીડિયોમાં ગાડીનો નંબર દેખાતો નથી. લોકોનું ટોળું અકસ્માતમાં બચાવવા આવે તે સ્વાભાવિક છે, પરંતુ થાર અને ટ્રકનો અકસ્માત 11 વાગ્યે થયો હતો. બાદમાં થારનો ચાલક ગાડી મૂકીને જતો રહ્યો તો લોકો શું કરતા હતા.પોલીસની બે ગાડી હતી તો કેમ રોકીને એલિવેટેડ નેશનલ હાઇવે પર રોક્યા નહીં.
કોઈને મારવાનો હેતુ નહોતોઃ તથ્ય પટેલના વકીલ નિસાર વૈદ્યએ દલીલ કરતા જણાવ્યું હતું કે, તથ્યનો કોઈને મારવાનો હેતુ નહોતો, ગુનાહિત મનુષ્યવધની કલમ તથ્ય પર લાગુ પડે નહીં. નિસાર વૈદ્યે સલમાન ખાનના કેસનો પણ કોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો. નિસાર વૈદ્યની દલીલો લગભગ પૂર્ણ, રિસેસ બાદ સરકારી વકીલ જામીન અરજીનો વિરોધ કરશે.