કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર ગુજરાતમાં 47 લાખ ખેડૂતો દેવાદાર બન્યા: ઈસુદાન ગઢવી
- અંદાજિત દરેક ખેડૂત પર લગભગ 57 હજારથી વધુનું દેવું છે: ઈસુદાન ગઢવી
- ગુજરાતના ખેડૂતોએ એક લાખ કરોડની લોન લીધી છે: ઈસુદાન ગઢવી
- મોટા મોટા ઉદ્યોગપતિઓના 10.5 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરવામાં આવ્યા છે. પરંતુ ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા નથી: ઈસુદાન ગઢવી
- કૃષિ મંત્રાલયના આંકડાઓ ભાજપની ખેડૂત વિરોધી નીતિઓને દર્શાવે છે: ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે, પરંતુ આવકની જગ્યાએ જાવક બમણી થઈ છે. ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે આજે જે રીતે કૃષિ મંત્રાલયના આંકડા આવ્યા છે એ ખૂબ જ ચિંતાજનક અને ચોંકાવનારા આંકડાઓ છે. આ આંકડાઓ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને દર્શાવે છે.
કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર ગુજરાતમાં 47 લાખ ખેડૂતો દેવાદાર બન્યા છે. અંદાજિત દરેક ખેડૂત પર લગભગ 57 હજારથી વધુનું દેવું છે. એટલું જ નહીં, ગુજરાતના ખેડૂતોએ ખાનગી એટલે કે મંડળીઓ પાસેથી અને સરકારી બેંકો પાસેથી એક લાખ કરોડની લોન લીધી છે. સરકાર ક્યારે પણ ખેડૂતોના દેવા માફીની વાત નથી કરતી, આજે મજૂરી મોંઘી થઈ ગઈ છે અને બિયારણ મોંઘા થઈ ગયા છે, એના કારણે ખેતી ખૂબ જ મોંઘી થઈ ગઈ છે. આના કારણે આજે ખેતી કરવી ખૂબ જ કઠિન કામ થઈ ગયું છે.
ઉદ્યોગપતિઓના કરવામાં થયા દેવા માફ : ઈસુદાન ગઢવી
મોટા મોટા ઉદ્યોગપતિઓના 10.5 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરવામાં આવ્યા છે. પરંતુ ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા નથી. જ્યારે ખેડૂતોના દેવા તો એક લાખ કરોડ રૂપિયાના જ છે. તો અમારું માનવું છે કે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ અને ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવા જોઈએ. અને ખેડૂતો માટે ખેતી કઈ રીતે સસ્તી થાય એ માટેના પ્રયાસ કરવા જોઈએ. પરંતુ આમાં સરકાર સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. અને એટલા માટે જ ગુજરાતના તમામ ખેડૂતોએ જાગવાની જરૂરત છે.
આ પણ વાંચો : છોટા ઉદ્દેપુર : ACBએ વધુ એક ભ્રષ્ટ અધિકારીને કર્યો ઝબ્બે; કરી હતી દોઢ લાખની માંગણી