અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતમાં થાર અને મર્સિડિઝ કારમાં કરાઈ રહી હતી દારૂની હેરાફેરી,જાણો કેવી રીતે પકડાયા?

  • સુરતમાં થાર અને મર્સિડિઝમાં દારૂની હેરાફેરી
  • બે વૈભવી કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો
  • 1.63 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ

અત્યાર સુધી બંધ બોડીના ટેમ્પામાં કે પછી અન્ય વાહનોમાં દારૂની હેરાફેરી થતી હોવાનું સાંભળ્યું હતું. પણ હવે લક્ઝુરિયસ કારમાં પણ દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. સુરતના વેસુમાં બે વૈભવી કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરતમાં આવેલા  વેસુમાંથી બે કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. 45 લાખની બે લક્ઝરિયસ કારની એસીમાંથી 1.63 લાખનો વિદેશી દારૂ સાથે 3 યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર,વેસુ વિલા ફાર્મ હાઉસ તરફના રસ્તા પર બે યુવકો દારૂનું કાર્ટિંગ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે મોડી સાંજે દરોડા પાડ્યા હતા. દરમિયાન મર્સિડીઝ કારમાં તપાસ કરતા એસીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. નજીકમાં થાર કારમાં તપાસ કરતા તેમાંથી પણ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી વેસુ પોલીસે મર્સિડીઝના ચાલક મનિષ મનોહરસિંઘ, થાર ચાલક રાજેશ મુરારી શર્મા અને ચંકી સુરેશ પટેલની ધરપકડ કરી હતી.જે બંનેની લક્ઝરિયસ કારમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો. પોલીસે બંને લક્ઝરિયસ કારમાંથી 1.63 લાખની મત્તાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી બંનેની પૂછપરછ હાથ ધરી હતી. જે દરમિયાન મર્સિડીઝ કારનો માલિક સચિન હાઉસિંગ બોર્ડમાં રહેતો હોવાની માહિતી મળી છે. મધ્યપ્રદેશથી મિત્રની કારમાં દારૂ લઈ આવ્યા હોવાનું સામે આવ્યું છે.

દારૂનો જથ્થો કોને સપ્લાય કરતાં હતાં?
જ્યાં દારૂનો જથ્થો સુરતમાં બેંકના EMIનું કલેક્શન કરતા અન્ય શખ્સને સપ્લાય કરતા હોવાની માહિતી જણાવી હતી. જેના પગલે અન્ય એક શખ્સને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. વેસુ પોલીસની તપાસમાં કારના મૂળ માલિક અન્ય વ્યક્તિ હોવાનું સામે આવ્યું હતું. જ્યાં કારના મૂળ માલિકની જાણ બહાર આ પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. વેસુ પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો અને બે લક્ઝરીયસ કાર મળી 46.88 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં આગળની તપાસ વેસુ પોલીસે હાથ ધરી છે.

બે દિવસ પહેલા છોટાઉદેપુરમાં પકડાયો દારૂ

નોંધનીય છે કે બે દિવસ અગાઉ છોટાઉદેપુર જિલ્લામાં બોલેરો જીપમાં દારૂ ભરીને જતા બૂટલેગરોએ પોલીસને કચડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બુટલેગરોને રોકવા માટે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. બુટબેલરો દારૂ લઇને છોટાઉદેપુરથી બોડેલી તરફ જઈ રહ્યા હોવાની જાણકારી પોલીસને મળી હતી. જેના કારણે પોલીસે બુટલેગરોને પકડવા માટે વોચ ગોઠવી હતી. પરંતુ બુટલેગરોએ પોલીસને કચડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે ગાડીની મદદથી બુટલેગરોનો પીછો કર્યો હતો. લગભગ 20 કિલોમીટર સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાન બુટલેગરોએ બચવા માટે પોલીસની ગાડી પર દારૂની બોટલો ફેંકી હતી.બુટલેગરોને પકડવા માટે પોલીસે તમામ જગ્યા પર પોલીસ તૈનાત કરી હતી. બુટલેગરોની ગાડીને પકડવા માટે રતન પુર પાસે પોલીસે એક ટ્રકને રસ્તા વચ્ચે આડી ઉભી કરી હતી. પરંતુ બુટલેગરની ગાડી સાઇડમાંથી નીકળી ગઇ હતી. દરમિયાન પોલીસે તેમને રોકવા માટે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છતાં પણ બુટલેગરો ઉભા રહ્યા નહોતા. બાદમાં બુટલેગરોની કાર રતનપુરથી આગળ કાચા રસ્તા પર ફસાઇ જતા કાર મુકીને ફરાર થઇ ગયા હતા. જોકે બુટલેગરોને પકડી પાડવા માટે પોલીસે આખી રાત જહેમત ઉઠાવી અને આખરે ત્રણ બુટલેગરોને ઝડપી લીધા હતા.

આ પણ વાંચો : ખેડા: બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે અપનાવી અનોખી તરકીબ,પોલીસ પણ જોઈ ચોંકી ગઈ

Back to top button