- અમદાવાદ AMC ની ફાયર ટીમનો નિર્ણય
- ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે કર્યો નિર્ણય
- શા માટે લેવામાં આવ્યો આ નિર્ણય તેનું કારણ અકબંધ
એક તરફ રાજ્ય અને અમદાવાદ શહેરમાં સતત આગની ઘટનાઓ બનતી રહી છે. તેમાં ક્યાંક માનવ સર્જિત આપત્તિના કારણે લોકોના જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. આ વચ્ચે અમદાવાદના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે અમદાવાદમાં બનતી આગ, બચાવકોલ સહિત કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વખતે ફાયર વિભાગ તરફથી કરવામાં આવતી કામગીરી અંગે ફાયર વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને મિડીયાને આ અંગેની માહિતી ના આપવા ફરમાન કર્યુ છે.
ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે આ પ્રકારની સુચના ફાયર વિભાગના સ્ટાફને તેમણે આપી હોવાની કબુલાત પણ કરી છે. અમદાવાદમાં રોજ બરોજ બનતી આગ કે ફાયર વિભાગ તરફથી કરવામાં આવતી પક્ષીઓ કે પશુઓના રેસ્કયૂ ઉપરાંત કોઈ સ્થળે દિવાલ ધરાશાયી થવાથી કે મકાન ધરાશાયી થવા સહિતના બનાવો સમયે ફાયર વિભાગ તરફથી કરવામાં આવતી કામગીરીનું મિડીયા દ્વારા કવરેજ કરવામાં આવે છે.
ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા દ્વારા ફાયર વિભાગમાં ફરજ બજાવતા તમામ કર્મચારી-અધિકારીઓને વોટસએપ મેસેજ કરી ઈન્ચાર્જ ચીફ ઓફિસરની પૂર્વ મંજુરી વિના મિડીયાને કોઈપણ પ્રકારની માહિતી ન આપવાનુ ફરમાન કરી આડકતરી રીતે મિડીયા ઉપર સેન્સરશીપ લાદવા પ્રયાસ કર્યો છે. આ પ્રકારનુ ફરમાન કરી મિડીયાની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનો પ્રયાસ કરાયો છે.