મધ્યપ્રદેશનું આ મંદિર નાગપંચમી પર માત્ર એક દિવસ માટે જ ખુલે છે, જાણો તેની માન્યતાઓ
નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવની દુર્લભ મૂર્તિ છે. આ મંદિર એટલા માટે પણ પ્રસિદ્ધ છે કારણ કે અહીં એક માત્ર મૂર્તિ એવી છે કે જેમાં ભગવાન શિવ અને પાર્વતી સાપના આસન પર બિરાજમાન છે.ધાર્મિક નગરી ઉજ્જૈનમાં નાગ દેવતાનું એવું મંદિર છે જે વર્ષમાં એકવાર ભક્તો માટે ખોલવામાં આવે છે. નાગપંચમીના અવસરે મંદિરના કપાટ 24 કલાક માટે ખોલવામાં આવે છે. તેની પાછળ ખૂબ જ રસપ્રદ અને ધાર્મિક માન્યતા છે.
ભગવાન મહાકાલ પ્રખ્યાત જ્યોતિર્લિંગ ભગવાન મહાકાલેશ્વરના ગર્ભગૃહમાં બિરાજમાન છે, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર ભગવાન ઓકારેશ્વરનું મંદિર છે. એ જ રીતે ભગવાન નાગચંદ્રેશ્વર મહાદેવ બીજા માળે બિરાજમાન છે. આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર નાગ પંચમીના અવસરે શિવભક્તો માટે ખોલવામાં આવે છે. આ વખતે નાગ પંચમી એટલે કે સાવન માસ અને સોમવાર એક સાથે હોવાના કારણે મંદિરમાં ભક્તોની ભારે ભીડ રહે તેવી શક્યતા છે.
જેના કારણે ઉજ્જૈન જિલ્લા પ્રશાસને મોટા પાયે વ્યવસ્થા કરી હોવાનો દાવો કર્યો છે. નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં મહાનિર્વાણ અખાડાના સંતો દ્વારા પૂજન કરવાની પરંપરા છે. મહાનિર્વાણ અખાડાના ગાદીપતિ વિનીત ગીરી મહારાજના જણાવ્યા અનુસાર નાગચંદ્રેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવવાથી શિવભક્તોની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. એવી પણ માન્યતા છે કે માત્ર નાગચંદ્રેશ્વર મહાદેવના દર્શન કરવાથી કાલસર્પ દોષ હંમેશ માટે દૂર થઈ જાય છે.
આ પણ વાંચો : શ્રાવણ નિમિત્તે સોમનાથ મંદિરમાં કરાયા મોટા બદલાવ, જાણો શું થયા ફેરફાર…