ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતમાં યુવક યુવતી સાથે ભાગી જતા બહેનપણીને મળી સજા, ભોગ બનનારે આપઘાત કરી લેતા પરિવારે કર્યા ગંભીર આક્ષેપ

  • યુવતી યુવક સાથે ભાગી જતા ડીંડોલીમાં તેની બહેનપણીને નિર્વસ્ત્ર કરી માર માર્યો
  • ભોગ બનનાર યુવતીએ આત્મહત્યા કરી
  • પોલીસ ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ

ઘણીવાર બીજાના કર્મની સજા અન્ય કોઈને ભોગવવી પડતી હોય છે. આવું જ કંઈક સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવતી સાથે થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં પરિવારની એક યુવતી અન્ય યુવક સાથે ભાગી જતા યુવીતીની બહેનપણીને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે યુવતીએ એસિડ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે મળતી માહિતી અનુસાર,સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી અન્ય યુવક સાથે ભાગી જતા યુવતીની બહેનપણીને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે યુવતીએ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો.છતા ડીંડોલી પોલીસ મૃતક યુવતીના પરિવારની ફરિયાદ લેવામાં આળસ કરી રહી હોવાના આક્ષેપ મૃતકના પરિવારે કર્યા છે. ન્યાયની માંગ સાથે ગરીબ પરિવારે પોલીસ કમિશનરના દ્વાર ખખડાવી આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા અને કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિષ્ણુકુમાર બદરીલાલ તૈલી પોતાની પત્ની અને બાળકો સાથે ન્યાયની માંગ લઈ અઠવાલાઇન્સ સ્થિત પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. કમીશ્નર કચેરીમાં પરિવારે લેખિતમાં ફરિયાદ આપી તેની દીકરીને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારવા અને અને મરવા મજબુર કરનાર આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી

ભરત મોરે અને શાંતારામ મોરેએ દીકરીનું અપહરણ કર્યું – વિષ્ણુકુમાર
વિષ્ણુકુમાર બદરીલાલ તૈલીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભરત મોરે અને શાંતારામ મોરેએ તેની દીકરીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ બંધ ઘરમાં બંધક બનાવી નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો હતો. જેના કારણે મારી દીકરીએ એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. શાંતારામ મોરેની દીકરી અન્ય કોઈ યુવક સાથે ભાગી ગઈ હતી, તેને ભગાવવામાં તેની દીકરીનો હાથ હોવાની શંકા રાખી ભરત મોરે અને શાંતારામ મોરેએ અસહ્ય માર માર્યો હતો.

પોસ્ટમોર્ટમ કરાવવામાં પણ ઘણો વિલંબ -વિષ્ણુકુમાર
વિષ્ણુકુમારે પણ આરોપ લગાવ્યો હતો કે, દીકરીના મોત બાદ તેના મૃતદેહનું સુરત સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં પણ ઘણો વિલંબ કરવામાં આવ્યો હતો. આ બાબતે ડીંડોલી પોલીસને લેખિતમાં રજૂઆત કરી છતાં શાંતારામ મોરે,ભરત મોરે સહિતના શખ્સો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ડીંડોલી પોલીસ મથકના પીઆઇને પણ ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા છે, પરંતુ પોલીસ આ મામલે ફરિયાદ નોંધવા તૈયાર નથી. આથી પરિવારે ન્યાયની માંગ સાથે સુરત પોલીસ કમિશનર કચેરીએ લેખિતમાં ફરિયાદ આપી રજૂઆત કરી છે.

સમગ્ર ઘટના 22 જુનની છે
વિષ્ણુકુમારના પરિવારે કરેલા ગંભીર આક્ષેપો અંગે ડીંડોલી પોલીસ મથકના આર.જે.ચુડાસમાએ જણાવ્યું હતું કે,સમગ્ર ઘટના 22 જુનની છે. પરિવારની યુવતી સોસાયટીમાં રહેતા અન્ય પરિવારની યુવતીને ભગાવવામાં મદદરૂપ બની હતી. તેની તપાસમાં પણ યુવતીના મોબાઈલ નંબર પરથી વોટ્સએપ ચેટ મળી આવી હતી.જેના કારણે યુવતીની પુછપરછ કરવામાં આવી હતી. જે બાદ યુવતીએ અગમ્ય કારણોસર એસિડ ગટગટાવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાના સમયે પરિવારજનો દ્વારા આવા કોઈ આક્ષેપો કરવામાં આવ્યા નહોતા કે યુવતીને માર મારવામાં આવ્યો છે. દરમિયાન સારવાર હેઠળ રહેલી યુવતીનું બે દિવસ અગાઉ હોસ્પિટલના બિછાને લાંબી સારવાર બાદ મોત નિપજ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીને માર મારવામાં આવ્યો હોય,તેવા કોઈ નિશાન મળી આવ્યા નથી. પરિવારે કરેલા આક્ષેપો તથ્ય વિહોણા પણ હોઈ શકે છે.પરંતુ તેમ છતાં આ મામલે ડીંડોલી પોલીસ તપાસ કરી રહી છે. જો પુરાવા મળશે તો આરોપીઓ વિરુદ્ધ 306 હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : સામૂહિક આપઘાતની વધુ એક ઘટના : જૂનાગઢના વંથલીમાં પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીધી, દંપતી અને પુત્રનું મોત

Back to top button