HCAએ BCCIને લખ્યો પત્ર, વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફરી ફેરફારની શક્યતા, તારીખ બદલાશે તો ચાહકોને મોટી મુશ્કેલી
- વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફરી ફેરફારની શક્યતા
- હૈદરાબાદ ક્રિકેટ એસો.નો BCCIને પત્ર
- કહ્યું- સતત બે ઈન્ટરનેશનલ મેચ યોજવી મુશ્કેલ
ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં 46 દિવસ માટે ODI વર્લ્ડ રમાશે, જેમાં 48 મેચો રમાશે. ગત વર્લ્ડ કપની વિજેતા અને ઉપવિજેતા ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં 5 ઓક્ટોબરે પ્રથમ મેચ રમાશે. 12મી નવેમ્બર સુધી ગ્રૂપ સ્ટેજની 45 મેચો રમાશે. જો કે, આ ટાઈમટેબલમાં ફેરફાર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. કારણ કે, હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશને BCCIને એક બાદ એક મેચ યોજામાં મુશ્કેલીને લઈ પત્ર લખ્યો હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે,BCCIને ODI વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર કરવા માટે પત્ર લખ્યો છે. એસોસિયેશને આ બે મેચ વચ્ચે સમય માંગ્યો છે. તેમનું કહેવું છે કે, સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તારીખ બદલવી જોઈએ. હૈદરાબાદ પોલીસે બેક-ટુ-બેક મેચો, ખાસ કરીને પાકિસ્તાન મેચો માટે સુરક્ષા પૂરી પાડવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.મહત્વનું છે કે, ન્યુઝીલેન્ડ-નેધરલેન્ડની મેચ 9 ઓક્ટોબરે ઉપ્પલના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં યોજાવાની છે. જ્યારે પાકિસ્તાન-શ્રીલંકા મેચ બીજા દિવસે એટલે કે 10 ઓક્ટોબરે યોજાવાની છે. સુરક્ષાના કારણોસર નવ મેચોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 10 ઓક્ટોબરે રમાનારી મેચ પહેલાં 12 ઓક્ટોબરે રમાવાની હતી, પરંતુ ભારત-પાકિસ્તાન મેચના રિશિડ્યુલને કારણે સતત બે મેચ હૈદરાબાદમાં રમવી પડી છે.
હૈદરાબાદમાં કુલ ત્રણ મેચ રમાવાની
મહત્વનું છે કે,હૈદરાબાદમાં કુલ ત્રણ મેચ રમાવાની છે. પ્રથમ મેચ 6 ઓક્ટોબરે પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. આ પછી બીજી મેચ 9 ઓક્ટોબરે રમાશે. અને ત્રીજી મેચ 10 ઓક્ટોબરે રમાશે. 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આથી પાકિસ્તાને પણ આ મેચ પહેલાં સમય માંગ્યો હતો. જ્યાં બીજી તરફ જો મેચનું સ્થળ અથવા તારીખ બદલવામાં આવે છે, તો હૈદરાબાદમાં પ્રવાસની યોજના બનાવનારા ચાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ટિકિટના વેચાણમાં એક સપ્તાહ કરતાં પણ ઓછો સમય બાકી છે.
વર્લ્ડ કપનું નવું શિડ્યૂલ
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 27 જૂને જ વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર કર્યું હતું. પરંતુ, સુરક્ષાના કારણોસર 9 મેચોની તારીખો બદલવામાં આવી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 9 ઓગસ્ટના રોજ ODI વર્લ્ડ કપ 2023નું નવું શિડ્યૂલ જાહેર કર્યું હતું. અપડેટ કરાયેલા શિડ્યૂલમાં 9 મેચોની તારીખો બદલવામાં આવી હતી. ભારત-પાકિસ્તાનની મેચ હવે અમદાવાદમાં 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે રમાશે. તે જ સમયે, 12 નવેમ્બરે કોલકાતામાં નિર્ધારિત પાકિસ્તાન-ઈંગ્લેન્ડ મેચ હવે 11 નવેમ્બરે યોજાશે.
આ પણ વાંચો : ઇંગ્લેન્ડે વર્લ્ડ કપ 2023 માટે ટીમની જાહેરાત કરી, જુઓ બેન સ્ટોક્સ સહિત કોને મળી તક