ગુજરાતના નામચીન બુટલેગર નાગદાન ગઢવીનું જેલમાં હાર્ટ એટેકથી મોત થયું છે. બુટલેગર નાગદાન ગઢવીનું અમદાવાદની સાબરમતી જેલમાં હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યું છે. થોડા સમય પહેલાં નાગદાન ગઢવીની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી. નાગદાન ગઢવી 150થી વધુ આંતરરાજ્ય ગુનાઓમાં આરોપી હતો.
નાગદાન ગઢવી પર 150 ગુનાઓ નોંધાયેલા હતા
નામચીન બુટલેગર નાગદાન ગઢવી સમગ્ર ગુજરાતમાં વિદેશી દારુનું નેટવર્ક હરિયાણાથી ચલાવતો હતો. નાગદાનનું મોત થતાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ પહેલાં પણ ગત નવેમ્બર મહિનામાં નાગદાનને હાર્ટ એટેક આવતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. નાગદાન ગઢવી સામે 150થી વધારે આંતર રાજ્ય ગુનાઓ નોંધાયેલા છે. કરોડો રૂપિયાનો દારુ ગુજરાતમાં ઠાલવનારો નાગદાન ગઢવી પોલીસના સકંજામાં આવ્યા પછી સાબરમતી જેલમાં જેલવાસ ભોગવી રહ્યો હતો. અગાઉ પણ મોનીટરિંગ સેલે જણાવ્યું હતું કે તે 30થી વધારે ગુનામાં વોન્ટેડ હતો. ગુજરાતના વડોદરા સહિત સૌરાષ્ટ્રમાં વિદેશી દારુનું નેટવર્ક ચલાવતો હતો. હરિયાણાથી ગુજરાતમાં દારુ ઠાલવતો હતો. નાગદાન સાથે અન્ય પણ ઘણા નામચીન બુટલેગરો સંકળાયેલા હતા.
ચારેક દિવસ પહેલા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેનો કબ્જો લીધો હતો
નાગદાન ગઢવીનું નેટવર્ક ગુજરાત પોલીસ માટે અગાઉ પણ ચેલેન્જ હતું પરંતુ પોલીસે આખરે તેને દબોચીને જેલ ભેગો કર્યો હતો. હમણાં જ જાન્યુઆરીમાં રાજકોટના થોરાળાથી જે દારુ પકડાયો હતો તેમાં તેનું નામ ખુલ્યું હતું અને પ્રાપ્ત વિગતો અનુસાર ચારેક દિવસ પહેલા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેનો કબ્જો લીધો હતો. ગતરોજ તેને છાતીમાં દુખાવો ઉપડતા તેને સીવીલ હોસ્પિટલ લઈ જવાયો હતો જોકે હાર્ટ એટેક આવતા તેને દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગર ના નિવડતા તેનું મોત થયું હતું.