એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

હવે યુનિવર્સિટીમાં સેનેટ કે સિન્ડિકેટ થઈ જશે ભૂતકાળ ! રાજ્ય સરકારે તૈયાર કર્યું ગુજરાત કોમન યુનિવર્સિટી બિલ

વિદ્યાર્થી કાળથી જ રાજકારણનાં પાઠ શીખીને રાજકારણમાં કારકીર્દી ઘડતા વિદ્યાર્થીઓ માટે હવે આ દરવાજા બંધ થઈ જશે. ગુજરાત કોમન યુનિવર્સીટી બીલ 2023 માં વિદ્યાર્થી રાજકારણ પર પરદો પાડી દેતી જોગવાઈ છે. આ કાયદા હેઠળ યુનિ.ઓમાં સેનેટ સીન્ડીકેટ સભ્યોની જોગવાઈ રદ થઈ જશે. ગુજરાતનાં અનેક રાજકીય નેતાએ વિદ્યાર્થી કાળથી જ રાજકારણમાં સક્રિય હતા. તબકકાવાર આગળ વધીને અનેક ધારાસભ્ય સુધી પહોંચ્યા છે. એક તો મુખ્યમંત્રી પણ બન્યા હતા. હવે ગુજરાત કોમન યુનિવર્સીટી બીલ તૈયાર થયુ છે. તે વિધાનસભાનાં ચોમાસુ સત્રમાં મુકાવાની સંભાવના છે. આ વિધેયકમાં સેનેટ-સીન્ડીકેટની જોગવાઈ કરી કરીને બોર્ડ ઓફ ગવર્નન્સની જોગવાઈ છે. અર્થાત સમગ્ર અંકુશ સરકાર હસ્તક રહેશે.

સરકાર જ બોર્ડ ઓફ ગવર્નન્સમાં સભ્યોની નિમણુંક કરશે

યુનિવસીટીમાં વિદ્યાર્થી રાજકારણ દુર કરવા માટે ભાજપ સરકાર કેટલાંક વર્ષોથી વિવિધ વિકલ્પો પર વિચારણા કરતી જ હતી. હવે સેનેટ-સિન્ડીકેટની ચૂંટણી રદ થઈ જશે અને સરકાર જ બોર્ડ ઓફ ગવર્નન્સમાં સભ્યોની નિમણુંક કરશે. વિધાનસભામાં વિધેયક રજુ કરવાની તમામ તૈયારી પણ કરી લેવામાં આવી છે. સુચિત કાયદાની તરફેણમાં બોલવા ભાજપના ચાર ધારાસભ્યો અમીત ઠાકર, કૌશીક જૈન, શૈલેષ મહેતા તથા મયુર રોકડીયાને જવાબદારી સોંપાઈ શકે છે. આ ચારેય ધારાસભ્યોએ વિદ્યાર્થી નેતા તરીકે જ કારકીર્દી શરૂ કરી હતી.

પૂર્વ મુખ્યમંત્રી પણ કોલેજકાળમાં રાજકારણમાં જોડાયા

ગુજરાતનો ઈતિહાસ ચકાસવામાં આવે તો પૂર્વ મુખ્યમંત્રી સ્વ.ચીમનભાઈ પટેલ સૌ પ્રથમ 21 વર્ષની ઉંમરે એમ.એસ.યુનિવર્સીટીમાં વિદ્યાર્થી-યુનિયનનાં પ્રમુખ બન્યા હતા અને ત્યારબાદ રાજકારણમાં પ્રવેશ કરી બે વખત મુખ્યમંત્રી બન્યા હતા. રાજયસભાના સાંસદ પણ ગુજરાત યુનિવર્સીટીમાં સિન્ડીકેટ સભ્ય હતા અને પછી નાયબ મુખ્યમંત્રીનાં પદ સુધી પહોંચ્યા હતા. વિદ્યાર્થી નેતામાંથી જ કોંગ્રેસનાં સીનીયર નેતા તરીકે પહોંચેલા અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે સેનેટ-સિન્ડીકેટ ચૂંટણી રોકાવાથી સમગ્ર સિસ્ટમ ઠપ્પ થઈ જશે. રાજકીય પક્ષો પણ વિદ્યાર્થી નેતાઓનાં શરણે જતા હોય છે. યુનિવર્સીટી સેનેટ-સિન્ડીકેટમાં વિપક્ષી હાજરીથી ગેરરીતી-વહિવટ પર લગામ રહે છે.

શું કહ્યું વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ ?

નવા સુચિત કાયદામાં વિપક્ષોનો કાંટો નીકળી જશે અને ભ્રષ્ટાચાર ગેરરીતી સરળ બની જશે. હાલ રાજયની 16 સરકારી યુનિવર્સીટીમાંથી માત્ર 8 માં જ સીન્ડીકેટ-સેનેટ ચૂંટણી થઈ છે. અન્ય આઠ યુનિવર્સીટીએ સ્ટેટ યુનિવર્સીટીનો દરજજો સ્વીકારીને સેનેટ-સિન્ડીકેટ સીસ્ટમ કાઢી નાખી છે. ખાનગી યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વની કોઈ જોગવાઈ નથી. અખીલ ભારતીય વિદ્યાર્થી-પરિષદનાં સભ્ય યુતિ ગજજરે કહ્યું કે આ મામલે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. ખાસ કરીને સેનેટ યથાવત રાખવા કહેવામાં આવ્યું છે. કોંગ્રેસના પ્રવકતા અને સિન્ડીકેટ સભ્ય મનિષ દોશીએ કહ્યું કે સુચિત કાયદાથી વિદ્યાર્થી રાજકારણ પર પડદો પડી જશે. કોંગ્રેસ આ બીલનો વિરોધ કરશે.

Back to top button