બનાસકાંઠા : ડીસામાં સાર્વજનિક હેતુ માટે ફાળવેલી જમીન પર કોટ કરી બંધ કરી દેતા શરતભંગની ફરિયાદ
- નાયબ કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો
પાલનપુર : ડીસામાં ગાયત્રી મંદિરને આપેલી જમીન હેતુફેર થતા અરજદારે ફરિયાદ કરી હતી. જે મામલે નાયબ કલેક્ટરે મામલતદારને આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.
ડીસામાં ગાયત્રી મંદિર સામે શ્રી સરકારની ખુલ્લી જગ્યા પડી હતી. જેથી વર્ષો અગાઉ ગાયત્રી મંદિર પરિવારે આ જગ્યાનો વિકાસ કરી લોકોના ઉપયોગ માટે આપવા માંગણી કરી હતી. જેના અનુસંધાને નગરપાલિકાએ ઠરાવ કરી જમીન આપી હતી. તેમજ જમીનમાં કોઈપણ પ્રકારનું બાંધકામ કર્યા વગર ખુલ્લી રાખી લોક ઉપયોગી રાખવા માટે હુકમ કર્યો હતો. પરંતુ જિલ્લા ઘણા વર્ષોથી જમીન પર ચારેબાજુ કોટ કરી બંધ કરી દેવામાં આવી છે.
અગાઉ જમીન પર વ્યાયામ શાળા બનાવવામાં આવી હતી. પરંતુ તે પણ છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે. ત્યાર બાદ પાંચ લાખના ખર્ચે નાના બાળકો માટે રમતગમતના સાધનો પણ મંદીર ટ્રસ્ટ દ્વારા મુકવામાં આવ્યા હતા. તે પણ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે અને આ જમીનનો અત્યારે લોકો માટે કોઈ જ ઉપયોગ થતો નથી. જેથી સ્થાનિક જાગૃત નાગરિક હરેશભાઈ ઠક્કરે આ મામલે જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને ડીસા નાયબ કલેક્ટરે મામલતદારને પત્ર લખી આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે.
આ પણ વાંચો : વડોદરા: MSUના હોસ્ટેલ રૂમમાં દારૂની મહેફિલ માણતા 3 વિદ્યાર્થીઓની ધરપકડ