કોલંબિયામાં માત્ર અડધા કલાકમાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા, સંસદની છતનો એક ભાગ તૂટી પડ્યો
- કોલંબિયામાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા
- સૌથી વધુ તીવ્રતા 6.3 હતી, 1નું મોત
- સંસદની છતનો એક ભાગ તૂટી પડ્યો
કોલંબિયાની રાજધાની બોગોટામાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 હતી. 15 મિનિટમાં 5.7ની તીવ્રતાનો આફ્ટરશોક પણ આવ્યો હતો. તેના થોડા સમય બાદ 4.8ની તીવ્રતાનો ત્રીજો આંચકો પણ અનુભવાયો હતો. ભૂકંપના કારણે એક મહિલા ગભરાઈ જતા પડી ગઈ હતી, જેમાં તેનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર,કોલંબિયા પેસિફિક રિંગ ઓફ ફાયરમાં આવે છે. આ એક એવો વિસ્તાર છે જ્યાં ઘણી ખંડીય તેમજ સમુદ્રી ટેક્ટોનિક પ્લેટો છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે ભૂકંપ આવે છે, સુનામી ઉત્પન્ન થાય છે અને જ્વાળામુખી ફાટી નીકળે છે.આ રીંગ ઓફ ફાયરની અસર ન્યુઝીલેન્ડથી લઈને જાપાન, અલાસ્કા અને ઉત્તર અને દક્ષિણ અમેરિકા સુધી જોઈ શકાય છે. વિશ્વના 90% ધરતીકંપો અને 78% સુનામી આ રીંગ ઓફ ફાયર રિજનમાં થાય છે. આ વિસ્તાર 40 હજાર કિલોમીટરમાં ફેલાયેલો છે.
સંસદની છતનો એક ભાગ તૂટી પડ્યો
મહત્વનું છે કે,ભૂકંપના કારણે કોલંબિયાની સંસદની છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. જોકે, રાહતની વાત એ હતી કે તે સમયે સંસદમાં કોઈ હાજર નહોતું. કોલંબિયાના કાલી અને મેડેલિન શહેરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ સિવાય સોશિયલ મીડિયા પર લોકોએ ઘણી જગ્યાએ દિવાલોમાં તિરાડો હોવાની વાત પણ કરી છે. રોયટર્સ અનુસાર, ભૂકંપના આંચકાને કારણે ઘણી બારીઓના કાચ તૂટી ગયા હતા. જો કે હાલ ભૂકંપના કારણે કોઈ મોટું નુકસાન થવાની સંભાવના નથી. ભૂકંપનું કેન્દ્ર બોગોટાથી લગભગ 160 કિમી દૂર હતું.શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાતાની સાથે જ એલાર્મ વગાડવામાં આવ્યું હતું અને તમામ બિલ્ડિંગ-ઓફિસમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બોગોટાના રહેવાસી ગોન્ઝાલો માર્ટિને જણાવ્યું કે ભૂકંપ દરમિયાન બધુ ધ્રૂજી રહ્યું હતું અને લોકો ચીસો પાડતા ઘરની બહાર દોડી આવ્યા હતા.
75% સક્રિય જ્વાળામુખી આ પ્રદેશમાં
વિશ્વના 75% સક્રિય જ્વાળામુખી આ પ્રદેશમાં છે. રિંગ ઓફ ફાયરની અસર 15 દેશોમાં છે – જાપાન, રશિયા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકા, કેનેડા, યુએસએ, મેક્સિકો, ગ્વાટેમાલા, કોસ્ટા રિકા, પેરુ, એક્વાડોર, ચિલી અને બોલિવિયા.
6ની તીવ્રતાનો ભૂકંપ ખતરનાક હોય છે
વૈજ્ઞાનિકોના મતે ધરતીકંપનું વાસ્તવિક કારણ ટેક્ટોનિક પ્લેટોની ઝડપી હિલચાલ છે. આ સિવાય ઉલ્કાની અસર અને જ્વાળામુખી ફાટવા, ખાણ પરીક્ષણ અને પરમાણુ પરીક્ષણને કારણે પણ ભૂકંપ આવે છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. આ સ્કેલ પર 2.0 અથવા 3.0ની તીવ્રતાનો ધરતીકંપ હળવો હોય છે, જ્યારે 6ની તીવ્રતાનો અર્થ ખતરનાક ભૂકંપ હોય છે.
આ પણ વાંચો : કચ્છમાં ફરી આવ્યો ધરતીકંપ,જાણો કચ્છમાં વારંવાર કેમ આવે છે ભૂકંપના આંચકા