હિમાચલ-ઉત્તરાખંડમાં વરસાદે જનજીવનને કરી નાંખ્યું વેરવિખેર; 71 લોકોના મોત- ₹8000 કરોડનું નુકશાન
હમ દેખેગે ન્યૂઝ ડેસ્ક: દેશમાં પાછલા 11 દિવસથી વરસાદે બ્રેક મારી છે, તેથી દેશના ઘણા ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઇ છે, પરંતુ હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે ચોમાસાનો વિરામ હોય છે, ત્યારે વાદળો પર્વતો પર એકઠા થાય છે અને આ કારણે સૌથી વધુ વરસાદ પડે છે.
હિમાચલ અને ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન વેરવિખેર બની ગયું છે. અસંખ્ય લોકોના મોત વચ્ચે અનેક લોકો ઘર વિહોણા પણ થયા છે. તો કેટલાક લોકો હજું પણ ગુમ હોવાના રિપોર્ટ સામે આવી રહ્યાં છે. હિમાચલ પ્રદેશના શિમલાના સમર હિલ વિસ્તારમાં 14 ઓગસ્ટે ભૂસ્ખલન થયાના 4 દિવસથી બચાવ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 4 દિવસમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં 71 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વર્ષે ચોમાસાની સિઝનમાં બંને રાજ્યોને 8000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સિવાય સમગ્ર સિઝનમાં અત્યાર સુધીમાં 327 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 1700થી વધુ મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી 6600 કરોડ રૂપિયાની સહાયની માંગ કરી છે.
હિમાચલમાં સફરજનપો પાક લેતા ખેડૂતોને આ વર્ષે 1000 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. ભારે વરસાદને કારણે બગીચામાં તૈયાર થતા સફરજન ખરી પડ્યા અને તેનું ઉત્પાદન પણ ઘટી ગયું. હિમાચલ દર વર્ષે સફરજનના 3-4 કરોડ બોક્સનું ઉત્પાદન કરે છે. આ વખતે માત્ર એકથી 1.50 કરોડ બોક્સ જ થવાનો અંદાજ છે.
બુધવારે ઓડિશાના વિવિધ ભાગોમાં વીજળી પડવાથી 5 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે. બાલાસોરમાં ત્રણ અને ભદ્રક જિલ્લામાં એકનું મોત થયું હતું. બીજી તરફ મયુરભંજ જિલ્લામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો-ચંદ્રયાન-3 ઇતિહાસ રચવાની નજીક, વિક્રમ લેન્ડર અલગ થવા માટે તૈયાર