શું ઉદ્ધવ કેબિનેટની છેલ્લી બેઠક છે? CMએ કહ્યું- તમારું દિલ દુખ્યું હોય તો મને માફ કરી દેજો
મહારાષ્ટ્રમાં આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે કે નહીં તેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પરંતુ આજે મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. આવતીકાલના ફ્લોર ટેસ્ટને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી ચાલી રહી હતી, ત્યારે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટની બેઠક બોલાવી હતી. કેબિનેટની આ બેઠકના અંતે મુખ્યમંત્રી ખૂબ જ ભાવુક થઈ ગયા અને કહ્યું કે, છેલ્લા અઢી વર્ષમાં તમારા સહકાર માટે હું તમારો આભારી છું. પરંતુ જો મારી કોઈ વાતથી તમારા દિલને ઠેસ પહોંચી હોય તો તે માટે મને માફ કરી દેજો.
આ બેઠક છેલ્લી છે કે નહીં તે આવતીકાલે થશે નક્કી
આજે મળેલી કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્રના અનેક શહેરોના નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. કેબિનેટની બેઠક બાદ મહારાષ્ટ્રના મંત્રી જયંત પાટીલે કહ્યું કે, આજે મુખ્યમંત્રીએ અમારા ત્રણેય પક્ષોએ અઢી વર્ષમાં કરેલા સારા કામ માટે આભાર વ્યક્ત કર્યો છે. આવતીકાલે જો સુપ્રીમ કોર્ટ કહેશે કે વિશ્વાસ મત થશે તો નક્કી થશે કે આ બેઠક છેલ્લી છે કે નહીં. એનસીપીના નેતા જયંત પાટીલે કહ્યું કે, સીએમએ કહ્યું કે અમને કોંગ્રેસ અને એનસીપીનું સંપૂર્ણ સમર્થન મળ્યું પરંતુ કમનસીબે અમારી જ પાર્ટીના લોકોએ અમને સમર્થન આપ્યું નહીં. ઠાકરેએ કહ્યું કે, ત્રણેય પક્ષો એકસાથે આવ્યા અને અઢી વર્ષમાં શાનદાર કામ કર્યું. ઠાકરેએ તમામ પક્ષોનો આભાર વ્યક્ત કર્યો હતો.