રાહુલ ગાંધી સંરક્ષણ અંગેની સંસદીય સમિતિમાં નામાંકિત, AAP અને NCP સાંસદોના નામ પણ સામેલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કર્યાના દિવસો પછી સંરક્ષણ પરની સંસદીય સ્થાયી સમિતિમાં નામાંકિત કરવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ સાંસદ અમર સિંહને પણ સમિતિમાં નામાંકિત કરવામાં આવ્યા છે.
માર્ચમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા તે પહેલા રાહુલ ગાંધી સંરક્ષણ પરની સંસદીય પેનલના સભ્ય હતા. 7 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીને મોદી સરનેમ પર ટિપ્પણી સાથે સંબંધિત એક કેસમાં ગુજરાતની કોર્ટે ગયા માર્ચ મહિનામાં બે વર્ષની સજા ફટકારી હતી.
સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર સ્ટે મુક્યો હતો
કૉંગ્રેસના નેતાએ 2019માં કર્ણાટકમાં એક રેલીમાં કહ્યું હતું કે મોદી, બધા ચોરની સરનેમ કેવી રીતે હોઈ શકે. જો સાંસદોને બે વર્ષ કે તેથી વધુ સજા થાય તો તેઓ ગેરલાયક ઠરે છે. આ મામલામાં 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી હતી અને તેમની સજા પર રોક લગાવી દીધી હતી. તેઓ લોકસભામાં વાયનાડનું પ્રતિનિધિત્વ કરે છે.
AAP સાંસદને પણ નોમિનેટ કરવામાં આવ્યા
સભ્યપદ પુનઃસ્થાપિત કર્યા પછી રાહુલ ગાંધીએ સંસદના ચોમાસુ સત્રમાં પણ ભાગ લીધો હતો, જે 11 ઓગસ્ટ સુધી ચાલ્યો હતો. લોકસભા સચિવાલય વતી, એવું કહેવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા લોકસભા સભ્ય સુશીલ કુમાર રિંકુને કૃષિ, પશુપાલન અને ખાદ્ય પ્રક્રિયા માટેની સમિતિ માટે નામાંકિત કરવામાં આવ્યા છે.
સુશીલ કુમાર રિંકુ તાજેતરમાં જ જલંધર લોકસભા પેટાચૂંટણીમાં જીત્યા અને લોકસભામાં AAPના એકમાત્ર સભ્ય છે. NCPના ફૈઝલ પીપી મોહમ્મદ, જેમની લોકસભાની સદસ્યતા માર્ચમાં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી, તેમને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ સમિતિમાં નામાંકિત કરવામાં આવ્યા છે.