ડીસામાં આઝાદીના 77 માં વર્ષની ઉત્તસાહ ભેર ઉજવણી
ભારતની આઝાદીના 77મા વર્ષની ઉજવણી ડીસા શહેર અને તાલુકામાં ઉત્સાહભેર કરવામાં આવી હતી. સ્વાતંત્ર પર્વની ડીસા તાલુકા કક્ષાની ઉજવણી કાંટ ગામે યોજાઇ હતી.જેમા નાયબ કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરાયું હતું. જ્યારે ડીસા શહેરી કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ગાંધી ચોક ખાતે યોજાયો હતો. જ્યાં પાલિકા પ્રમુખના હસ્તે તિરંગો લહેરાવાયો હતો.
ડીસા તાલુકા કક્ષાનો કાર્યક્રમ કાટ ગામે યોજાયો
સ્વાતંત્ર્ય પર્વની 77 મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ડીસામાં સર્વત્ર દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. ડીસાના કાટ ગામની પ્રાથમિક શાળામાં ડીસા તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો હતો જેમાં નાયબ કલેકટર નેહાબેન પંચાલ ના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જેમાં સમગ્ર તાલુકાના અધિકારીઓ, રાજકીય સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી સામૂહિક રાષ્ટ્રગાન કરી તિરંગા ધ્વજને સલામી આપી હતી. શાળાની બાલિકાઓએ સ્વાગત ગીત, પ્રકૃતિ નૃત્ય તેમજ દેશભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા હતા. નાયબ કલેકટરે પોતાના પ્રવચનમાં ડીસામાં સરકાર દ્વારા કરાયેલા તેમજ થઈ રહેલા વિકાસ કાર્યોનો ચિતાર રજૂ કર્યો હતો.
નાયબ કલેકટર દ્વારા ધ્વજવંદન કરાયું
જ્યારે ડીસા નગરપાલિકા દ્વારા શહેરી કક્ષાનો કાર્યક્રમ શહેરના ઐતિહાસિક ગાંધી ચોક ખાતે યોજાયો હતો. જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા તિરંગો લહેરાવાયો હતો. પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરે શહેરમાં રૂપિયા 42 કરોડના ખર્ચે ચોથા ફેજ ની ભૂગર્ભ ગટર લાઈન, 15 કરોડના ખર્ચે અધ્યતન ટાઉન હોલ તેમજ બે કરોડના ખર્ચે નગરપાલિકાના નવા બિલ્ડીંગ ની મંજૂરી મળી હોવાનું જણાવી શહેરના વિકાસમાં સાથ સહકાર આપનાર તમામ નગરજનો નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત ડીસાની એસ સી ડબલ્યુ સ્કૂલ ખાતે પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઇ મોઢ દ્વારા ધ્વજવંદન કરાયું હતું. જ્યારે ડીસા શાક માર્કેટમાં એપીએમસીના ચેરમેન ગોવાભાઇ દેસાઈએ તિરંગો ધ્વજ લહેરાવ્યો હતો.
આ પણ વાંચો : જીપ્સમ પાવડર ની આડમાં દારૂ ભરીને જતું કન્ટેનર ડીસા પાસેથી ઝડપાયું