ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડોદરામાં બિલ્ડર પર કોનો હાથ ? માલિકોને અંધારામાં રાખી લગાવ્યો ચૂનો !

Text To Speech

વડોદરામાં એક બિલ્ડરે બે મિત્રોનો વિશ્વાસ જીતી લાખોનો ચૂનો લગાવ્યો છે. આરોપી બિલ્ડરે તેના બે મિત્રોને બે બંગ્લા 68 લાખ રૂપિયામાં વેચ્યા હતા. આ જ બન્ને બંગ્લા પર બિલ્ડરે મકાન માલિકોને અંધારામાં રાખીને બેંકમાંથી લોન લઈ છેતરપિંડી આચરી છે. જો કે, આ વાતની જાણ બંગ્લાના માલિકને થતાં તેમણે બિલ્ડર અને તેની પત્ની વિરુદ્ધ CID ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

કેવી રીતે ખેલ્યો છેતરપિંડીનો ખેલ?
મૂળ મોરબીના રહેવાસી અને ખેતીવાડીના વ્યવસાય સાથે જોડાયેલા દિલાવરસિંહ કરણસિંહ ઝાલા પોતાના બાળકોના અભ્યાસ માટે વડોદરા સ્થળાંતર કરવાનું વિચારતા હતા. જેથી તેમને વડોદરાના બિલ્ડર શ્રી સિદ્ધિ વિનાયક ડેવલોપર્સના માલિક અપૂર્વ દિનેશભાઈ પટેલ નીવડસરમાં ચાલતી મેપલવિલા બંગ્લોઝની સ્કીમમાં બંગ્લો જોવા ગયા હતા. જ્યાં એચ. કે.પટેલે મેપલવિલા બંગ્લોઝની સ્કીમ ટીપી 32, ફાઇનલ પ્લોટ નંબર 16 રે.સ.નં 165 વડસર તેમને બતાવ્યા હતા. અને બાદમાં બિલ્ડર અપૂર્વ દિનેશભાઇ પટેલને મળતા તેમને બંગ્લા ઉપર કોઈ બેંક લોન કે ભારણ નથી તેમજ ટાઇટલ ક્લિયર હોવાનો વિશ્વાસ આપ્યો હતો. જેથી સ્કિમનો બંગ્લા નંબર એ-11 નોંધાવી તા. 2 ડિસે.2019 ના રોજ દસ્તાવેજ કરી આપ્યો હતો. જે પેટે રૂપિયા 35 લાખના બેન્કના ચેક આપી પેમેન્ટ કરી દીધું હતું. આજ રીતે દિલાવર સિંહ ઝાલાના મિત્ર દિવ્યરાજસિંહ ખુમાનસિંહ ઝાલાએ પણ મેપલવીલામાં બંગ્લા નંબર એ 1-20 નોંધાવીને રૂ. 33 લાખનો દસ્તાવેજ અપૂર્વ દિનેશભાઇ પટેલે દિવ્યરાજસિંહ કરી આપ્યો હતો.

લોન લેવા જતા ફૂટ્યો ભાંડો
તો, બીજી તરફ દિવ્યરાજસિંહને રૂપિયાની જરૂર પડતા તેમને તેમના બંગ્લા નંબર એ 1-20 ઉપર લોનની પ્રોસેસ કરવા જતા બિલ્ડર અપૂર્વ પટેલની પત્ની ભૈરવી પટેલના નામની લૉન મેળવી હતી. જ્યારે દિલાવરસિંહના બંગલા નં. એ-11 ઉપર કોઈ રિદ્ધિ મકવાણા અને આદેશ દેવકુમાર નામે લોન લીધી હોવાનું બહાર આવતા બંને બંગ્લાના માલિકો ચોંકી ઉઠ્યા હતા. જેથી તેઓએ બિલ્ડરને મળીને અંગે વાત કરતા બિલ્ડર અપૂર્વ પટેલે ઉડાઉ જવાબ આપ્યો હતો.

બેંકના કર્મચારીના મેળાપીપણાની બેંકમાં લોન લેવા માટે રજૂ થયેલા એગ્રીમેન્ટ નોટરાઈઝ છે. જેના ઉપર લોન મંજૂર થઈ શકે નહીં. છતાં બિલ્ડર અપૂર્વ પટેલે બંગ્લા ઉપર લોન લેનારને લખાણ કરી આપી અને બેન્ક કર્મચારી સાથે મળીને લોન મંજૂર કરાઇ હોવાનું મૂળ બંગ્લાના માલિકોએ આશંકા વ્યક્ત કરી છે. આમ આ સમગ્ર ઘટનાની તપાસ થાય તો બેંકના કર્મચારીઓ પણ બિલ્ડર દંપતી સાથે છેતરપિંડીના કાવતરામાં સંડોવાયેલા હોવાનું બહાર આવે તેમ છે.

બિલ્ડર પતિ-પત્ની સામે CID ક્રાઇમમાં ફરિયાદ
વડોદરાના શ્રી સિદ્ધિવિનાયક ડેવલપર્સના માલિક અપુર્વ પટેલ અને તેની પત્ની ભૈરવી અપૂર્વ પટેલે બંને બંગ્લાની પ્રોપર્ટીના અવેજ પેટે કુલ રૂપિયા 68 લાખ લઈને દસ્તાવેજ કરી આપ્યા બાદ તેના ઉપર અલગ -અલગ વ્યક્તિઓના નામે બેંક લોન મંજૂર કરાવી હતી. જેમાં મૂળ પાર્ટીઓને અંધારામાં રાખી હતી. જેથી બિલ્ડર દંપતી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા બદલ દિલાવરસિંહ કરણસિંહ ઝાલાએ પોતાની સાથે અને તેમના મિત્ર દિવ્યરાજસિંહ સાથે થયેલી છેતરપિંડીને લઈને સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બિલ્ડર પર રાજકીય પીઠબળ?
વડોદરાની મેપલવિલા બંગ્લોઝમાં મોરબીના દિલાવરસિંહ કરણસિંહ ઝાલા અને તેમના મિત્ર દિવ્યરાજસિંહે રાખેલા બંગ્લા ઉપર લોન લઈને છેતરપિંડી કરનારા બિલ્ડર રાજકીય પીઠબળ ધરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને લઈને બિલ્ડર બંગ્લાના માલિકને ઉડાઉ જવાબ આપી રહ્યા છે. બિલ્ડર દ્વારા જ્યારે બંગલા વેચાણ કરવાના હોય છે ત્યારે બંગલાની સ્કીમ અંગે અને તેની સગવડો અંગે પણ જણાવીને સારી વાતો દ્વારા પ્રભાવિત કરી બંગ્લા વેચાણ કરવામાં આવે છે. પરંતુ આ રીતે છેતરપિંડી આદરી બંગલા ઉપર લોન લઈને મકાન માલિકોને જે રીતે અંધારામાં રાખ્યા છે, તે રીતે આ સ્કીમમાં અન્ય બંગ્લાના માલિકોને પણ હવે શંકા થવા માંડી છે. જેથી આવનારા દિવસોમાં અન્ય કેટલાક બંગલાના માલિકોએ પણ તપાસ કરીને જો છેતરાયા હશે તો વધુ બિલ્ડર વિરુદ્ધ વધુ ફરિયાદ નોંધાવવાની પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ બિલ્ડરની ચાલાકીનો શિકાર બનવામાં કેટલાક માથાઓ પણ બાકાત રહ્યા નથી.

બિલ્ડર જીવે છે હાઈપ્રોફાઈલ લાઈફ સ્ટાઈલ
રૂપિયાની લાલચમાં લોકોનો વિશ્વાસ જીતી પોતાના ખિસ્સા ભરનાર બિલ્ડર આવી જ રીતે રૂપિયા પડાવીને લાખો નહીં પણ કરોડોના આલિશાન મકાનમાં રહે છે. મોંઘી ગાડીઓ ફેરવે છે અને આવા શિકાર શોધી રૂપિયા એંઠતો રહે છે.

Back to top button