આઝાદ હિંદ ફોજની મહિલાએ નેતાજીને બચાવવા પતિને ગોળી મારી હતી!
- નીરા આર્યને અંગ્રેજો માટે જાસૂસી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું
- તેમના પતિ સીઆઈડી ઈન્સ્પેક્ટર શ્રીકાંત જયરંજન દાસ અંગ્રેજો માટે કામ કરતા હતા
- નીરા આર્ય પર અમાનુષી ત્રાસ ગુજારવામાં આવ્યો હતો
નીરા આર્ય ખૂબ નાની ઉંમરે આઝાદ હિંદ ફોજમાં રાણી ઝાંસી રેજિમેન્ટના સૈનિક બન્યા હતા. તેમને અંગ્રેજો માટે જાસૂસી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એવા આદેશ આપવામાં આવ્યા હતા કે જો તમે અંગ્રેજોના હાથે પકડાઈ જાવ તો વિચાર્યા વગર ખુદને ગોળી મારીને શહીદ થઇ જજો. તેઓ હિન્દી, અંગ્રેજી અને બંગાળી ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓ પણ બોલતા હતા. તેમના પતિ સીઆઈડી ઈન્સ્પેક્ટર શ્રીકાંત જયરંજન દાસ અંગ્રેજો માટે કામ કરતા હતા અને તેમના ભક્ત હતા.
એક દિવસ અંગ્રેજોએ શ્રીકાંત જયરંજનને નેતાજી સુભાષચંદ્ર બોઝની હત્યા કરવાની જવાબદારી આપી. જયરંજન દાસ ગુપ્ત રીતે સુભાષચંદ્ર બોઝ પાસે પહોંચી ગયા. તેઓ ગોળી મારવાના જ હતા ત્યારે પત્ની નીરાએ તેમને ઓળખી લીધા અને તેઓ નેતાજીને પોતાની ગોળીનો શિકાર બનાવે તે પહેલા નીરાએ જયરંજન દાસના પેટમાં છરી મારીને તેની હત્યા કરી દીધી. આ રીતે નેતાજી બચી ગયા. નીરાની બહાદુરી અને બલિદાન જોઈને નેતાજી દંગ રહી ગયા. આઝાદ હિંદ ફોજના સમર્પણ બાદ નીરાને તેના પતિની હત્યાના આરોપસર કાળા પાણીની સજા કરવામાં આવી હતી. ત્યાં તેમની પર ભારે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.
એક દિવસ જેલરે તેમને પૂછ્યું, ‘જો તમે જણાવશો કે નેતાજી ક્યાં છે તો અમે તમને છોડી દઈશું.’ પરંતુ કોઈ પણ સંજોગોમાં તેમણે મોઢું ખોલ્યું નહીં. નેતાજી વિશે માહિતી મેળવવા માટે તેમના પર બર્બર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. તેમના શરીરને લોખંડના સળિયા વડે મારવામાં આવ્યા હતા, પરંતુ તે હલ્યા પણ ન હતા. વર્ષ 1947માં દેશ આઝાદ થયા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તે પછી તેમનુ જીવન મુશ્કેલ રહ્યું. તેઓ ફૂલ વેચીને ગુજરાન ચલાવતા હતા. 26 જુલાઈ 1998ના રોજ ચારમિનાર નજીકની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નીરા આર્ય આજે પણ દરેક ભારતીયના હૃદયમાં જીવંત છે.
આ પણ વાંચોઃ દેશભક્તિના એવા નારા કે જે સાંભળતા જ જોશ અને જુસ્સો ભરાઈ જાય, જાણો આ નારા કોણે ક્યારે આપ્યા