ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

શિંદે જૂથ ગોવા જવા રવાના, જાણો એકનાથ શિંદે ગુવાહાટી એરપોર્ટ પર શું કહ્યું?

Text To Speech

ગુવાહાટી, શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્રના ધારાસભ્યો ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલથી એરપોર્ટ જવા રવાના થયા અને ત્યાંથી ગોવા જશે. તેમના પ્રસ્થાનમાં લગભગ બે કલાક વિલંબ કર્યા પછી અસંતુષ્ટ ધારાસભ્યોએ ગોવા જવાનો નિર્ણય કર્યો. જ્યાંથી તેઓ ગુરુવારે ફ્લોર ટેસ્ટ માટે મુંબઈ જશે. તેમણે કહ્યું કે પ્રવાસનો કાર્યક્રમ સુપ્રીમ કોર્ટની જે કાર્યવાહી ચાલી રહી છે તેના પર પણ નિર્ભર છે.

ધારાસભ્ય તેમના સહાયકો અને પરિવારના કેટલાક સભ્યો આસામ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ત્રણ બસોમાં રેડિસન બ્લુ હોટેલથી નીકળ્યા. ત્રણ બસો ભારે સુરક્ષા હેઠળ લગભગ 15 કિમી દૂર સ્થિત એરપોર્ટ તરફ આગળ વધી હતી. બસો સાથે અનેક એસ્કોર્ટ વાહનો પણ હતા. અધિકારીઓએ જણાવ્યું કે, સવારથી જ સેંકડો પોલીસકર્મીઓ ગુવાહાટી એરપોર્ટ પર તૈનાત છે. તેમણે કહ્યું કે, ધારાસભ્યોને ગોવા લઈ જવા માટે એક ચાર્ટર્ડ પ્લેન એરપોર્ટ પર પહોંચી ગયું છે.

અમે બળવાખોર નથી, અમે શિવસેના છીએ: એકનાથ શિંદે
ગુવાહાટી એરપોર્ટ મીડિયા સાથે વાત કરતા એકનાથ શિંદેએ કહ્યું કે, અમે બળવાખોર નથી, અમે શિવસેના છીએ. અમે બાળાસાહેબ ઠાકરેની શિવસેનાના એજન્ડા અને વિચારધારાને આગળ વધારી રહ્યા છીએ. અમે હિંદુત્વની વિચારધારા અને રાજ્યના વિકાસ માટે કામ કરીશું. તેમણે વધુમાં કહ્યું કે, અમે આવતીકાલે મુંબઈ પહોંચીશું અને વિશ્વાસ મતમાં ભાગ લઈશું. ત્યારપછી ધારાસભ્ય દળની બેઠક મળશે, ત્યારબાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.

શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના 22 જૂનથી ગુવાહાટીમાં ધામા નાખ્યા
મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (MVA) સરકારને તોડી પાડવાના પ્રયાસમાં અસંતુષ્ટ શિવસેનાના ધારાસભ્યો કેટલાક અપક્ષો સાથે 22 જૂનથી મુંબઈથી લગભગ 2,700 કિલોમીટર દૂર ગુવાહાટીમાં કેમ્પ કરી રહ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી એરપોર્ટ પર પહોંચતા ‘છત્રપતિ શિવાજી મહારાજ કી જય’ અને ‘એકનાથ શિંદે સાહેબ તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ’ ના નારા લગાવતા જોવા મળ્યા હતા.

શિંદેએ ગુવાહાટીમાં જણાવ્યું હતું કે, તેઓ તેમના જૂથના તમામ ધારાસભ્યો સાથે મુંબઈ પહોંચશે. તેઓ ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં એક સપ્તાહથી રોકાયા હતા અને તેમના સમર્થનમાં ધારાસભ્યોના એક મોટા જૂથ સાથે હતા. ગુવાહાટીમાં હોટલમાંથી બહાર આવેલા શિંદેએ કહ્યું કે તેમણે ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં મહારાષ્ટ્રના લોકોની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

શિંદેએ મંદિરની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ ઔપચારિકતાઓ પૂર્ણ કરવા ગુરુવારે મુંબઈ પરત ફરશે. મતલબ કે તે નવી સરકારની રચનાની પ્રક્રિયામાં ભાગ લેશે. જ્યારે તેમના આગામી પગલા વિશે પૂછવામાં આવ્યું ત્યારે બળવાખોર ધારાસભ્યએ કહ્યું, અમે આવતીકાલે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે મુંબઈ પાછા આવીશું.

Back to top button