15 ઓગસ્ટટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

શું તમે 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં ફરક જાણો છો?

  • 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ અને 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ.

ભારત અને અહીંયાના નાગરિકો માટે 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બંને દિવસ મહત્વપૂર્ણ છે. 15 ઓગસ્ટે જ્યાં આખો દેશ શહીદોને નમન કરી આઝાદીની ઉજવણી કરે છે. તો 26મી જાન્યુઆરીએ આપણે પોતાના બંધારણ અને લોકતંત્રના મહત્વનો અહેસાસ કરાવે છે. વર્ષમાં આ બંને તહેવારો પર દેશભરમાં ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.

કેમ 15 ઓગસ્ટના દિવસે ભારતમાં સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે? આવો જાણીએ

ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે.

15 ઓગસ્ટ-HDNEWS

15 ઓગસ્ટના દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

ભારતના વડાપ્રધાન ક્યાં તિરંગો ફરકાવે છે?

મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. આ સંદેશામાં તેઓ સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને પડકાર કરે છે. વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે.

પ્રજાસત્તાક દિનને ભારતનો રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે. જાણો વધું અહીં

પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.

26મી જાન્યુઆરી-HDNEWS

26 જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનો અમલ શરુ થયો તે પહેલા પણ ૨૬ મી તારીખનું વિશેષ ઐતિહાસિક મહત્વ હતું. ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ની મધ્યરાત્રીએ ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસનું અધિવેશન લાહોરમાં યોજાયું હતું. જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં યોજાયેલા લાહોર અધિવેશનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે જો અંગ્રેજ સરકાર ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ સુધી પૂર્ણ સ્વરાજ આપવા તૈયાર ના થાય તો ભારત દેશ પોતાને પૂર્ણ સ્વતંત્ર દેશ જાહેર કરી દેશે. ૨૬ જાન્યુઆરીના દિવસ નજીક આવ્યો તેમ છતાં અંગ્રેજ સરકારે કોઇ જ પગલા ન ભરતા સમગ્ર દેશમાં પૂર્ણ સ્વરાજનો નારો ગુંજી ઉઠયો હતો.

પૂર્ણ સ્વરાજની માંગ સાથે દેશમાં રાષ્ટ્ભકિતની લહેર ઉભી થઇ હતી. સ્વાતંત્ર સેનાનીઓ દ્વારા લાહોર અધિવેશન મુજબ દર વર્ષે ૨૬ મી જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું હતું. જયાં સુધી દેશને ઇસ ૧૯૪૭માં આઝાદી ના મળી ત્યાં સુધી ૨૬ મી જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ દિન એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાતો રહયો હતો.

ભારતીય બંધારણ સભાની પહેલી બેઠક ૯ ડિસેમ્બર ઇસ ૧૯૪૬માં મળી હતી. ઇસ ૧૯૪૭માં ૧૫ મી ઓગસ્ટના રોજ દેશને આઝાદી મળી પરંતુ દેશ પાસે પોતાનું બંધારણ ન હતું. આથી ગાંધીજીની ઇચ્છા મુજબ બી આર આંબેડકરના નેતૃત્વમાં ૨ વર્ષ અને ૧૧ દિવસ સુધી મહેનત કરીને દેશનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. દેશના આ સંવિધાનને બંધારણ કમિટીએ ૨૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ અમલ માટે રજુ કર્યુ હતું.

૧૯૫૦માં ફરી દેશના પ્રજાસત્તાક દિવસ તરીકે પસંદ થયો

૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બધા જ સાંસદો અને વિધાયકોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યાર બાદ ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ દેશમાં લાગુ પાડવામાં આવ્યું હતું. ડો રાજેન્દ્રપ્રસાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા. આમ ૨૬ મી જાન્યુઆરીના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને ૧૯૫૦માં ફરી દેશના પ્રજાસત્તાક દિવસ તરીકે પસંદ થયો હતો.

આ પણ વાંચો: શું તમે જાણો છો ભારતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજ વિશે?

Back to top button