રાજકોટમાં લગાવાયો સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો તિરંગો, 250 ફૂટ લાંબો તિરંગો 1 કિમી દૂરથી જ જોઈ શકાશે
- રાજકોટમાં લગાવાયો સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો તિરંગો
- રાજકોટમાં 250 ફૂટ લાંબો તિરંગો લાગ્યો
- 22 માળના બિલ્ડિંગ પર લગાવાયો તિરંગો
સમગ્ર દેશમાં આજથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ છે. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું હતું. જેને લઈ ગુજરાતના દરેક જિલ્લાઓના લોકો આ અભિયાનમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ દેશભક્તિના રંગે રંગાયા છે. ગત વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું હતું. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરમાં લોકોએ ઘરો તેમજ ઓફિસ અને બિલ્ડિંગો ઉપર તિરંગો લહેરાવ્યો છે. ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો તિરંગો લગાવાયો છે.
રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો તિરંગો લગાવાયો
રાજકોટમાં 250 ફૂટ લાંબો તિરંગો લહેરાવવામાં આવ્યો છે. આ વર્ષે પણ સતત બીજા વર્ષે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજકોટ શહેરના ઘરો તેમજ ઓફિસ ઉપર તિરંગો લહેરાવાય રહ્યો છે. જો કે,સૌરાષ્ટ્ર અને કદાચ ગુજરાતનો સૌથી ઊંચો 250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો રાજકોટની સિલ્વર હાઈટ્સ સોસાયટીમાં સતત બીજા વર્ષે લહેરાવવામાં આવી રહ્યો છે. આ તિરંગો 22 માળના બિલ્ડિંગ પર લગાવાયો છે. જે 1 કિમી દૂરથી પણ જોઈ શકાય છે. રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલી સિલ્વર હાઈટ્સ સોસાયટીના બિલ્ડિંગ ઉપર આ તિરંગો લહેરાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી બિલ્ડિંગ છે.
આ પણ વાંચો : ખાલિસ્તાન સમર્થકો તિરંગો સળગાવવાની તૈયારીમાં: ભારતે કેનેડાને કડક પગલાં ભરવા કરી અપીલ
રાજકોટના પોષ વિસ્તારમાં લગાવાયો તિરંગો
મહત્વનું છે કે, હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે રંગીલા રાજકોટના રહેવાસીઓ પણ પોતાના ઘર, ઓફિસ કે સોસાયટી બહાર તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના જતાવી રહ્યા છે. રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલી સિલ્વર હાઈટ્સ સોસાયટી કે જે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી બિલ્ડિંગ ધરાવે છે અને રાજકોટના પોષ વિસ્તારમાં તેનો સમાવેશ થાય છે.
આપણે પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશું – પ્રમુખ
આ અંગે સોસાયટીના પ્રમુખ મુકેશ શેઠએ જણાવ્યું હતું કે,અમારી સોસાયટીના એસોસિએશનએ સાથે મળી નક્કી કર્યું હતું કે, આપણે પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશું. માટે અમે રાજકોટ ખાતે જ એક 250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો ગત વર્ષે તૈયાર કરી બિલ્ડિંગ ઉપર લગાવ્યો હતો. એ જ રીતે સતત બીજા વર્ષે પણ આ તિરંગો બિલ્ડિંગ પર લહેરાવ્યો છે. રાત્રિ દરમિયાન પણ દૂરથી લોકો નિહાળી શકે તે માટે લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે. 150 ફૂટ રિંગ રોડ પરથી એક કિલોમીટર દૂરથી પણ આ તિરંગાને લોકો નિહાળી શકે અને રાષ્ટ્રભાવના કેળવાય તે માટે 15 ઓગસ્ટ સુધી તિરંગો લહેરાવવામાં આવશે.
આ પણ વાંચો : ભાવનગરમાં શિક્ષકોને ઘરે ઘરે જઈને વેચવો પડશે તિરંગો, જાણો કેમ?