ઉદયપુર કન્હૈયાલાલ હત્યાકાંડઃ NIAએ હાથમાં તપાસ
NIAએ કન્હૈયા લાલ હત્યા કેસની તપાસ પોતાના હાથમાં લીધી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આ મામલે કેસ નોંધ્યો છે. અગાઉ, કેન્દ્રએ ઉદયપુરમાં એક દરજીની હત્યાની ઘટનાને આતંકવાદી કૃત્ય ગણીને કેસની તપાસ હાથ ધરવા NIAને નિર્દેશ આપ્યો હતો. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, “ગૃહ મંત્રાલયે NIAને રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા લાલ તેલીની ઘાતકી હત્યાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું, “કોઈપણ સંસ્થા અને આંતરરાષ્ટ્રીય સંડોવણીની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.”
રાજસ્થાન પોલીસ દ્વારા કેસની પ્રારંભિક તપાસમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓ આતંકવાદી સંગઠન ISISથી પ્રભાવિત હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ ગૃહ મંત્રાલયે મંગળવારે રાત્રે જ એક તપાસ ટીમ ઉદયપુર મોકલી હતી. તપાસના સંદર્ભમાં આજે NIAની ટીમ કન્હૈયા લાલની દુકાને પહોંચી હતી.
મંગળવારે ઉદયપુર શહેરમાં તંગદિલી હતી. રિયાઝ અખ્તરીએ તીક્ષ્ણ હથિયારથી કન્હૈયા લાલ તેલીનું ગળું કાપી નાખ્યું હતું અને અન્ય વ્યક્તિ, ગૌસ મોહમ્મદે મોબાઇલ ફોનથી આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.
સ્થિતિને જોતા ઉદયપુરના સાત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, જ્યારે રાજસ્થાનના તમામ 33 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.