કેન્દ્રએ 2024 પહેલા દિલ્હી સર કર્યું; રાષ્ટ્રપતિએ સર્વિસ બિલને મંજૂરી આપતા સુપ્રીમમાં જશે જંગ
દિલ્હી સેવા બિલ: સંસદના બંને ગૃહોમાં પસાર થયા પછી રાષ્ટ્રપતિએ દિલ્હી સેવા બિલને તેની સંમતિ આપી છે. આ સાથે 19 મેના રોજ બહાર પાડવામાં આવેલ વટહુકમ હવે કાયદો બની ગયો છે. અગાઉ દિલ્હી સરકારે વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, હવે તે સુધારેલા કાયદાને પડકારશે.
દિલ્હી સર્વિસ બિલ સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ 3 ઓગસ્ટે લોકસભામાં પસાર થયું હતું. લોકસભામાં બહુમતી હોવાને કારણે કેન્દ્ર દ્વારા બિલ પાસ કરાવ વામાં કોઈ મુશ્કેલી ન હતી.રાજ્યસભામાં સરકારની સંખ્યા ઓછી હતી અને તેને પસાર કરાવવાનો પડકાર હતો, પરંતુ ત્યાં પણ સરકારને સફળતા મળી. 7 ઓગસ્ટના રોજ ઉપલા ગૃહ દ્વારા પણ આ બિલ પસાર કરવામાં આવ્યું હતું.
અરવિંદ કેજરીવાલે કાળો દિવસ ગણાવ્યો હતો
રાજ્યસભામાં બિલના સમર્થનમાં 131 વોટ પડ્યા જ્યારે 102 સભ્યોએ વિરોધમાં વોટ આપ્યા. આમ આદમી પાર્ટીની અપીલ પર ઈન્ડિયા એલાયન્સમાં સામેલ તમામ પાર્ટીઓએ બિલની વિરુદ્ધમાં વોટિંગ કર્યું. કોંગ્રેસે પણ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું. જોકે, ગઠબંધનના સભ્ય આરએલડી નેતા જયંત ચૌધરીએ મતદાનથી દૂર રહ્યા હતા.
રાજ્યસભામાંથી બિલ પાસ થયા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તેને ભારતીય લોકશાહી માટે કાળો દિવસ ગણાવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે આ બિલ દિલ્હીની ચૂંટાયેલી સરકારને કામ કરવા દેશે નહીં.
બિલથી શું બદલાશે?
આ બિલ સિવિલ સર્વિસ ઓથોરિટી બનાવે છે અને તે ઓથોરિટી (નેશનલ કેપિટલ પબ્લિક સર્વિસ ઓથોરિટી)ને વ્યાપક સત્તા આપે છે. ઉદાહરણ તરીકે દિલ્હીમાં નાણા સચિવ, પીડબલ્યુડી સચિવ કોણ બનશે, ટ્રાન્સફર ક્યારે અને કેવી રીતે થશે, ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો હવે લોકોની ચૂંટાયેલી સરકારને બદલે એલજી દ્વારા લેવામાં આવશે.
દિલ્હી સર્વિસ બિલ દ્વારા નેશનલ કેપિટલ પબ્લિક સર્વિસ ઓથોરિટીની સ્થાપના કરવાની જોગવાઈ છે. જેમાં મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને મુખ્ય ગૃહ સચિવ સામેલ હશે. આ સત્તા અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટે લેફ્ટનન્ટ ગવર્નરને સૂચન કરશે.
આ પણ વાંચો-NCP નેતા નવાબ મલિકને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, 17 મહિના પછી જેલમાંથી બહાર આવશે