MID DAY NEWS CAPSULEમાં વાંચો અમદાવાદમાં એક જ પરિવારના 6 લોકોની અર્થી ઊઠી, કેદારનાથમાં અમદાવાદના 3ના મોત,જાણો કેમ હવે અકસ્માત કરી ભાગી જવું પડશે ભારે
એક જ પરિવારના 6 લોકોની અર્થી ઊઠી
અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર થયેલા રંકતરજીત અકસ્માતમાં જીવ ગુમાવનાર ઝાલા પરિવારના લોકો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના વતની છે. તમામે તમામ મૃતકોના મૃતદેહોને પોલીસની જરૂરી કાર્યવાહી બાદ પરિવારજનોને સોંપાતા પરિવારજનો અને ગ્રામજનો મૃતકોના મૃતદેહોને વાહનો મારફતે ગામમાં લાવવમા આવતાં ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. મોડીરાત્રે એકીસાથે વાહનોનો ખડકલો ગામમાં આવતાં ગામમાં હૈયાફાટ આક્રંદના દ્રશ્યો સર્જાયા હતા.
કેન્દ્ર સરકારે ભારતીય કાયદાઓમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો
કેન્દ્ર સરકારે ભારતીય કાયદાઓમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે.આ દરખાસ્તો હેઠળ હવે માર્ગ અકસ્માત બાદ વાહન ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ભાગી શકશે નહીં. નવી જોગવાઈઓ અનુસાર ડ્રાઈવરે પોલીસને જાણ કરવાની રહેશે. અન્યથા જો પકડાય તો તેને ઓછામાં ઓછી દસ વર્ષની જેલ થઈ શકે છે. મહત્વનું છે કે,અપના દેશમાં દરરોજ કેટલાય માર્ગ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. જોકે સામાન્ય લોકોમાં એક વાત એવી પણ છે કે, કોઈને કચડી નાખ્યા પછી પણ આરોપી ડ્રાઈવરને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય છે, પરંતુ અકસ્માતમાં ઘાયલ કે મૃતકના સગા-સંબંધીઓ સારવાર માટે અથવા મૃતદેહ લેવા માટે પોલીસ અને હોસ્પિટલના ચક્કર લગાવે છે. જોકે અનેક કેસોમાં દોષી સાબિત થયા બાદ પણ દંડ ભરીને જ આરોપીને છોડી દેવામાં આવે છે.ક્રિમિનલ કાયદામાં ફેરફારને લઈને પ્રસ્તાવિત ઈન્ડિયન જસ્ટિસ કોડ 2023માં જો કોઈ વ્યક્તિની બેદરકારીને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો આરોપીને મુક્ત થવું આસાન નહીં હોય. આઈપીસીની કલમ 104 હેઠળ બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે અથવા ઉતાવળ અથવા બેદરકારીભર્યા કૃત્ય દ્વારા મૃત્યુનું કારણ બને છે તે ગુનામાં બે વર્ષ સુધીની મુદતની કેદની સજા અથવા દંડ અથવા બંને સાથે સજા થઈ શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે મોડી રાતે જ અમિત શાહ ભુજ પહોંચ્યા હતા. જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. 2 દિવસીય ગુજરાતના પ્રવાસ દરમિયાન અમિત શાહ અનેક અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. સાથે જ તેઓ અનેક કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. અમિત શાહના પ્રવાસ દરમિયાન કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષાનું નિરીક્ષણ કરશે. અમિત શાહ ગુજરાતના પ્રવાસની શરૂઆત આજે કોટેશ્વર મહાદેવના દર્શન કરીને કરશે. તેઓ કચ્છના કંડલા અને ગાંધીનગરના સરઢવમાં જાહેરસભાને સંબોધશે.
અમદાવાદના 3 લોકોના કેદારનાથમાં મોત
ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં કેદારનાથ યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના કારણે 5 તીર્થયાત્રીઓના મૃત્યુ થયા છે. પહાડ પરથી થયેલા ભૂસ્ખલનમાં દટાયેલી સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા છે. આ તમામ 5 મૃતકો માંથી 3 અમદાવાદના મણિનગર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ દુર્ઘટનાને લઈને જણાવ્યું કે, ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલન થતાં એક કાર દટાઈ હતી, આ કારમાં સવાર પાંચ તીર્થયાત્રીઓના મૃત્યુ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગાડીમાં સવાર શ્રદ્ધાળુઓ હરિદ્વારથી કેદારનાથ જઈ રહ્યા હતા, ત્યારે ભૂસ્ખલન થયું અને પથ્થરો વાહન પર પડ્યા. જણાવવામાં આવી રહ્યું છે પાંચ મૃતકોમાંથી 3 મૃતકો ગુજરાતના અમદાવાદના રહેવાસી હતા. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
IPCની જગ્યાએ આવ્યું ભારતીય ન્યાય સંહિતા
લોકસભામાં શુક્રવારે દેશના ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય દંડ સંહિતા (IPC)ને બદલવા માટે ભારતીય ન્યાય સંહિતા બિલ-2023 રજૂ કર્યું હતું. આ બિલમાં બદનક્ષી, દારૂ પીધા પછી ગેરવર્તન જેવા ગુનાઓ માટે સજા તરીકે સમુદાય સેવાની જોગવાઈ કરવામાં આવી છે. અમિત શાહે સંસદના નીચલા ગૃહમાં ત્રણ બિલ રજૂ કર્યા જે વસાહતી યુગના ત્રણ કાયદાનું સ્થાન લેશે.અમિત શાહે રજૂ કરેલ બિલમાં ઇન્ડિયન પીનલ કોડ-1860, ક્રિમિનલ પ્રોસિજર કોડ-1898 અને ઇન્ડિયન એવિડન્સ કોડ-1872નો સમાવેશ થાય છે. અમિત શાહ દ્વારા રજૂ કરાયેલા નવા બિલોમાં ભારતીય ન્યાય સંહિતા બિલ-2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા બિલ-2023 અને ભારતીય પુરાવા બિલ-2023નો સમાવેશ થાય છે.
આણંદ કલેક્ટર સસ્પેન્ડ મુદ્દે મોટી કાર્યવાહી
આણંદ કલેક્ટર ડી.એસ.ગઢવીના સસ્પેન્શન બાદ તપાસનો ધમધમાટ શરુ થયો છે. CMOમાંથી દરેકનો રિવ્યૂ કર્યા બાદ ડી.એસ.ગઢવી અને GAS કેતકી વ્યાસના તમામ સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે. હવે કેતકી વ્યાસની બદલી થયા બાદ થયેલા તમામ ટ્રાન્સફર ઓર્ડરને ફરી બદલવામાં આવશે. તો 15 ઓગસ્ટ બાદ તોમર તપાસ સમિતિ આણંદ જઈ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરશે.મહત્વનું છે કે,2008ની બેચના IAS અધિકારી ડી.એસ.ગઢવી ઓફિસ સમય દરમિયાન ઓફિસમાં મહિલા સાથે આપતિજનક સ્થિતિમાં ઝડપાયા હતા. જેની વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી હતી. જે બાદ તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. તો સમગ્ર મામલાની તપાસ માટે મહિલા અધિકારીઓની ટીમને જવાબદારી સોંપવામાં આવી હતી. IAS અધિકારી ચેમ્બરમાં સ્પાય કેમેરા કોણે ગોઠવ્યો, કઈ રીતે સમગ્ર વીડિયો શૂટ કરાયો જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે.