સામૂહિક આપઘાતની વધુ એક ઘટના : જૂનાગઢના વંથલીમાં પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીધી, દંપતી અને પુત્રનું મોત
- સાંતલપુરધાર ગામનો બનાવ : ઘટનાનું કારણ અકબંધ
- પરિવારે પોતાની જ વાડીએ ઝેરી દવા પીધી
- પુત્રી સારવાર હેઠળ, હાલત ગંભીર
રાજ્યમાં સામૂહિક આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુરધાર ગામમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લેતા ચારેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દંપતી અને પુત્રનું મોત થયું છે. જ્યારે કે એક પુત્રીની હાલત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બનાવના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને તપાસ ચાલુ છે.
વાડીએ જ ચારેયે ઝેરી દવા પી લીધી હતી
મળતી માહિતી મુજબ, જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં રહેતા વિકાસભાઈ રમણિકભાઈ દુધત્રા અને તેના પરિવારના ચાર સભ્યોએ આજે પોતાની વાડીએ ઝેરી દવા પી લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં દંપતી વિકાસભાઈ અને તેના પત્ની હીનાબેન તેમજ પુત્ર મનનનું મોત નિપજ્યું હતું. જ્યારે કે તેની પુત્રી હેપીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ બનાવનું કારણ અકબંધ છે. ઘટનાના પગલે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથધરી
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ થોડા દિવસો પહેલા જ આવી એક ઘટના સામે આવી હતી. ત્યારે ટૂંકા ગાળામાં જ વધુ એક ઘટના નોંધાઈ છે જે અંગે ડીવાયએસપી બી.સી.ઠક્કરે જણાવ્યું હતું કે, એક જ પરિવારના ચાર લોકોએ ઝેરી દવા પી લઈ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એકની સારવાર ચાલી રહી છે. પોલીસે કહ્યું હતું કે, આ બનાવના કારણની તપાસ કરવામાં આવી રહી છે.