ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડમાં રમતગમત સંકુલ બનાવવાના નિર્ણય સામે વિરોધ

Text To Speech
  • નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી અન્ય જગ્યાએ સંકુલ બનાવવા રજૂઆત કરી

પાલનપુર : ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડ ખાતે રમતગમતનું સંકુલ બનાવવાની જાહેરાત થતાં જ રમતવીરોએ વિરોધ દર્શાવ્યો છે. જો રમતગમતનું મેદાન સંકુલ બને તો વિવિધ રમતો રમતા સ્થાનિક ખેલાડીઓનું મેદાન કપાઈ જાય તેમ હોવાથી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રમતગમતનું સંકુલ અન્ય જગ્યાએ બનાવવા માટે રજૂઆત કરી હતી.

ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડ ખાતે સરકાર દ્વારા રમતગમતનું સંકુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આમ તો રમતગમતનું સંકુલ બને તે સૌ લોકો માટે સારી બાબત છે, પરંતુ ડીસામાં રમતવીરોએ આ સંકુલનો વિરોધ દર્શાવ્યો છે કારણ કે આ ટીસીડીના ખુલ્લા મેદાનમાં છેલ્લા 25 વર્ષથી ડીસાના ગરીબ, મધ્યમ અને સ્થાનિક લોકો ક્રિકેટ સહિતની વિવિધ રમતો રમે છે. જેથી વહેલી સવારે આ ગ્રાઉન્ડ રમતવીરોથી ઉભરાતું હોય છે, પરંતુ હવે રમતગમત સંકુલ બનાવવામાં આવે તો તેમનો મેદાન કપાઈ જાય તેમ છે. જે માટે આજે આ તમામ રમતવીરોએ ડીસાના નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપી રમતગમતનું સંકુલ અન્ય જગ્યાએ બનાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

આ અંગે સ્થાનિક રમતવીર હિતેશ સોનીએ જણાવ્યું હતું કે, ડીસામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વિના પૈસે રમી શકે તેવું આ એક માત્ર ટીસીડીનું ગ્રાઉન્ડ છે. જ્યાં લોકો ક્રિકેટ સહિતની વિવિધ રમતો રમે છે, પરંતુ હવે જો સરકાર ત્યાં રમત ગમતનું સંકુલ બનાવે તો તેમની ક્રિકેટ રમાતી જગ્યા કપાઈ જાય તેમ છે. જે માટે તેમની જગ્યા ન કપાય તે રીતે અથવા તો અન્ય જગ્યાએ રમતગમત સંકુલ બનાવવામાં આવે તેવી માગ કરી છે.

આ પણ વાંચો : સબસીડીયુક્ત ખાતરનું કાળાબજાર થતું અટકવાવવા પ્રયાસ:ડીસામાં ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા કો-ઓપરેટીવ સેમિનાર યોજાયો

Back to top button