પાલનપુરની મહીલા કોલેજની બે છાત્રાઓનું પર્યાવરણ બચાવો અભિયાન : 5000 સીડ પેન તૈયાર કરી
પાલનપુર: પાલનપુર સ્વસ્તિક મહીલા કોલેજની બે છાત્રાઓએ પર્યાવરણ બચાવવા તેમજ વધુમાં વધુ છોડ તૈયાર થાય તે હેતુથી સીડ પેન તૈયાર કરી છે. જે કાગળ અને રીફીલમાંથી તૈયાર કરવામાં આવી છે.
પેનનો પ્રોજેક્ટસ સંસ્થા સમક્ષ રજુ કરતા 5000 પેનો બનાવવાનો નિર્ધાર કર્યો
પાલનપુર સ્વસ્તિક મહીલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં બીકોમ અને બી.એ.માં અભ્યાસ કરતી પાલનપુરના વાસડા ગામની પંચાલ રેણુકાબેન મણીલાલ અને ડીસાની પ્રજાપતિ કાંતાબેન ભીખાભાઇને વિચાર આવ્યો કે, શિક્ષણમાં પ્લાસ્ટીકનો થતો ઉપયોગ બંધ કરી શકાય અને તેના માધ્યમથી પર્યાવરણનું નિર્માણ અને જતન કરી શકાય. જેથી વિદ્યાર્થીઓએ સંપૂર્ણ કાગળનો ઉપયોગ કરી સીડપેનની બે ડેમો પેન તૈયાર કરવામાં આવી હતી.જેમાં વેસ્ટ કાગળનો ઉપયોગ કરી કાગળની પેન તૈયાર કરવામાં આવી હતી. તે કાગળની પેનમાં આયુર્વેદીક છોડના બીજ નાખી પેનનો ઉપયોગ પુરો થયા બાદ તેને જ્યાં પણ નાખવામાં આવે તો ચોમાસામાં પેન પરનું કાગળ પલડી જશે અને તેનામાં મુકેલા બીજમાંથી છોડ તૈયાર થશે.જેથી વિદ્યાર્થીઓએ પેન તૈયાર કરી કોલેજમાં રજુ કરતા પ્રોફેસર ભાવનાબેન અને પ્રિન્સિપાલ નેહલબેન પરમાર દ્વારા શાળાના સત્તામંડળને વાત કરતા તેમના વિચારને બિરદાવવા શાળા દ્વારા આગામી દિવસોમાં 5000 જેટલી કાગળની સીડ પેનો બનાવી નજીવા દરે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. શાળા દ્વારા પ્લાસ્ટીકના પ્રદુષણને અટકાવી સીડપેનના માધ્યમથી શહેરમાં આયુર્વેદીક છોડ તેમજ વૃક્ષોનું નિર્માણ થાય તે દિશામાં કામ કરવામાં આવશે.