નબીરા તથ્ય પટેલના બાપને જેલમાં જ રહેવું પડશે, કોર્ટે જામીન અરજી કરી રદ
અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમા તથ્ય પટેલ ના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમાં અમદાવાદની ડિસ્ટ્રિક કોર્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી.
પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી કરી રદ
અમદાવાદના ઇસ્કોન અકસ્માત કેસમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન અંગે ચુકાદો આવ્યો છે.બંને પક્ષે દલીલો ગત સુનાવણીમાં પૂર્ણ થઈ હતી, જેમાં પ્રજ્ઞેશ પટેલના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, એક પિતા તરીકે પુત્રને બચાવવાની તેમની ફરજ હતી, જેથી તેઓ તેમના પુત્રને બચાવવા માટે આ પગલા ભર્યા હતા.જ્યારે સરકારી વકીલે ધારદાર દલીલ કરતા કહ્યું હતું કે જો પ્રજ્ઞેશ પટેલને જામીન મળશે તો સાક્ષીઓને હાની પહોંચવાની શકયતા છે.આ સાથે પ્રજ્ઞેશ પટેલ પર અન્ય ગુનાઓ પણ હોવાથી જામીન ન આપવા સરકારી વકીલે દલીલ કરી હતી.
આ પણ વાંચો : ગંભીર બાબત: ડબ્બા ટ્રેડિંગમાં એક ખાસ કોમ્યુનિટીના લોકો જોડાઇ રહ્યાં છે
સરકારી વકિલે કરી આ દલીલો
આ કેસમાં સરકારી વકીલે પોતાની દલીલમાં જણાવ્યું કે, જો પ્રજ્ઞેશ પટેલને જામીન આપવામાં આવશે તો સાક્ષીઓને નુક્સાનની શક્યતા છે. અકસ્માતના સ્થળે 9 લોકોનો મૃતદેહ પડ્યા હતો અને પ્રજ્ઞેશ પટેલ કોઈની માફી માગવાના બદલે તે પોતાના પુત્રને લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. આ સાથે સરકારી વકીલે પ્રજ્ઞેશનો ગુનાહિત ઈતિહાસ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં તેમના વિરુદ્ધ વિવિધગુના નોંધાયા હોવાનું જણાવ્યું હતું.
જાણો પ્રજ્ઞેશ પટેલ પર શું છે આરોપ
ઉલ્લેખનીય છે કે ગત 19 જુલાઈના રોજ તથ્ય પટેલે પોતાની જગુઆર કાર વડે ઇસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડી માર્યા હતા. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ તથ્ય પટેલને મેથીપાક ચખાડ્યો હતો. આ સમયે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ અહીં આવ્યા હતા અને રિવોલ્વર વડે લોકોને ધમકી આપીને પોતાના પુત્રને છોડાવીને લઈ ગયો હોવાનો આરોપ તેના પર લગાવવામા આવ્યો છે. જેથી પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય: કચ્છને મળશે વધારાનું 1 મિલિયન એકર ફિટ પાણી